દરિયા વચ્ચે ડ્રગ્સ પાર્ટી : નામી નબીરો ઝડપાયો ?
મુંબઈ :
શનિવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મોટી કાર્યવાહી કરી મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડો પાડી ઓછામાં ઓછા દસ લોકોની અટક કરી છે. એવું કહેવાય છે કે બૉલિવુડના એક મોટા અભિનેતાના દીકરાની પણ ધરપકડ કરાઈ છે.
એનસીબીને જાણકારી મળી હતી કે ગોવા જઈ રહેલી ક્રુઝમાં ડ્રગ પાર્ટીનું આયોજન થયું છે. એટલે એનસીબીના અમુક અધિકારીઓ યાત્રીના વેશમાં શિપ પર મોકલવામાં આવ્યા હતા. ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. સમીર વાનખેડે તેમની ટીમ સાથે શિપ પર સવાર થયા હતા. શિપ જ્યારે મધદરિયે પહોંચી ત્યારે ડ્રગ પાર્ટીની શરૂ કરવાની તૈયારી શરૂ થઈ. પાર્ટીમાં મોટા પાયે ડ્રગનું સેવન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું. બસ, એજ વખતે એનસીબીની ટીમ પણ ઍક્શનમાં આવી અને એણે પોતાનું સિક્રેટ મિશન શરૂ કર્યું. એનસીબીની ટીમ સાદા વેશમાં હોવાથી કોઈને કાર્યવાહી થઈ રહી હોવાની જાણ પણ ન થઈ. અને તમામ આરોપીઓને રંગે હાથ પકડી લેવાયા.
સાત કલાક ચાલેલી કાર્યવાહી એટલા માટે મોટી મનાઈ રહી છે કેમ કે એનસીબી દ્વારા પહેલીવાર શિપ પર કોઈ ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સૂત્રના જણાવ્યા મુજબ શિપનું ઓપનિંગ તાજેતરમાં જ થયું હતું અને એ પાર્ટીમાં ઘણી સેલિબ્રિટીએ પર્ફોર્મ કર્યું હતું.
જાણવા મળ્યા મુજબ દિલ્હીની એક કંપની નમસ્ક્રાય એક્સપિરિયન્સે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. આયોજકોએ વ્યક્તિ દીઠ 80 હજાર રૂપિયા ભાડું વસુલ્યું હતું. શનિવારે ગાંધી જયંતિના દિવસે ઉપડેલી શિપ 4 ઓક્ટોબરે પાછી ફરવાની હતી. આશ્ચર્યની વાત એ છે કે અમુક યાત્રીઓ પાસે 82 હજાર ભાડું વસુલવામાં આવ્યું હોવા છતાં શિપમાં જવા ન મળ્યું. હાલ એનસીબી શિપ પર અનેક રૂમોની તલાશી લઈ રહી છે અને તમામ આરોપીઓની પૂછપરછ પણ કરી રહી છે. જાણવા મળ્યા મુજબ શિપ રવિવારે તમામ આરોપીઓ સાથે મુંબઈ આવશે.
આ અગાઉ પણ એનસીબીએ અનેક કાર્યવાહી પાર પાડી છે પણ આ રીતનું સિક્રેટ ઓપરેશન ભાગ્યે જ જોવા મળ્યું છે. એનસીબીએ જે રીતે સિક્રેટ મિશનની તૈયારી કરી અને એમાં સફળતા મેળવી એ કાબિલે દાદ છે. દરોડા દરમિયાન એનસીબીએ મોટી માત્રામાં કોકેન અને એમડી પણ જપ્ત કર્યું હતું.
આ એક હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી હતી, એમાં અનેક સેલિબ્રિટી પર્ફોર્મ પણ કરવાની હતી. પરંતુ એનસીબી ટીમે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર કૉર્ડેલિયા ક્રુઝ મધદરિયે પહોંચી, ત્યાર બાદ કાર્યવાહી શરૂ કરી. જેવી ડ્રગ પાર્ટી શરૂ થઈ કે એનસીબી ઍક્શનમાં આવી. આરોપીઓને અંદાજો સુદ્ધાં નહોતો કે એનસીબીની તેમના પર નજર છે. પરંતુ તેમને આ ભૂલ ભારે પડી.
• ફિલ્મી એકશન