*રાજય સરકારની ‘વિદ્યાદીપ વીમા યોજના’ હેઠળ કુલ ૮ વિદ્યાર્થીઓના વાલીઓને સહાય ચૂકવાઈ :
ધો. ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓના*
*વીમાનું પ્રીમિયમ ચૂકવતી રાજ્ય સરકાર*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં બનેલી ભૂકંપની ઘટનાને ધ્યાનમાં લઇ અનેક વિદ્યાર્થી મિત્રોની યાદમાં અને વાલીઓને આર્થિક સહાય આપવા માટે ‘વિદ્યાદીપ વીમા યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
જે અન્વયે રાજ્યમાં અભ્યાસ કરતા ધો. ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓને વીમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરવામાં આવતું હોય છે. જે અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકસ્માતથી મૃત્યુ નીપજે અને તે અંગેના યોગ્ય આધાર પુરાવા જમા કરાવવામાં આવે તો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૨૫૦૦૦ અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૫૦૦૦૦ ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી. એસ કૈલાનાં જણાવ્યા અનુસાર આ યોજનામાં કોઈ પણ પ્રકારની શાળામાં અભ્યાસ કરતા તમામ ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં રાજકોટના માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા આશરે ૮ વિદ્યાર્થીઓના વાલીઓને સહાય આપવામાં આવી છે.
આ સહાય મેળવવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર, એફ.આઈ.આર. નંબર, શાળા તરફથી વિધાર્થીનાં અભ્યાસની વિગતો જેવા પુરાવા આપવાના હોય છે. વધુ વિગતો મેળવવા માટે નજીકની શાળાનો સંપર્ક સાધી શિક્ષકોની મદદ મેળવવી, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*