હર ઘર તિરંગા... ફરકાવતા શું ધ્યાન રાખવું? : નિયમ

*“હર ઘર તિરંગા”*

*રાષ્ટ્રધ્વજને ફરકાવવાની અને જાળવણી કરવા માટેની સામાન્ય સૂચનાઓ*

*રાષ્ટ્રધ્વજ લહેરાવતા સમયે આટલી તકેદારી અચૂકપણે રાખીએ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ : દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની સોનેરી તક આપણને સાંપડી છે. સમગ્ર રાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતોમાં તિરંગો લહેરાવા માટે તમામ નાગરિકોએ કેટલીક સૂચનાઓનું પાલન કરીને માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવો જોઈએ. જે માટે નાગરિકોએ રાષ્ટ્રધ્વજને લહેરાવતા સમયે અને લહેરાવ્યા બાદ નીચે મુજબની કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

        રાષ્ટ્રધ્વજ ખંડિત અથવા ચૂંથાયેલો હોય તો તેને ફરકાવી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા માટે ધ્વજ નીચે લાવવો નહીં. બીજો કોઈપણ ધ્વજ રાષ્ટ્રધ્વજ કરતા ઉંચે કે ઉપરના ભાગમાં કે તેની લગોલગ મૂકવો નહીં. તેમજ ધ્વજની કાઠી પર કે તેથી ઉપરના ભાગે ફુલ, હારતોરા અથવા મુદ્રા સહિતની કોઈ વસ્તુઓ મૂકવી નહીં.  

       આ ઉપરાંત રાષ્ટ્રધ્વજનો તોરણ કે ફુલ તરીકે કે ધજા તરીક સુશોભન માટે બીજી કોઈપણ રીતે ઉપયોગ કરવો નહીં. વક્તાના ડેસ્ક પર કે તેમની વ્યાસપીઠ ઉપર ધ્વજ પાથરવો કે વિંટાળવો નહીં. કેસરી રંગ નીચે આવે એ રીતે ધ્વજ લહેરાવવો નહીં. ધ્વજ જમીનને અડકે અથવા પાણીમાં રગદોળાય તેની કાળજી રાખવી. ધ્વજને નુકસાન પહોંચે તેવી કોઈપણ રીતે તેને ફરકાવવો કે બાંધવો નહીં.

       વધુમાં  કોઈપણ પ્રકારે વસ્ત્ર શણગાર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં. વાહનના કોઈપણ ભાગમાં ધ્વજ વિંટવો નહીં, ધ્વજ મેલો થઈ જાય અથવા નુકસાન પહોંચે તેવી રીતે ઉપયોગ કરવો નહીં કે સંઘરી રાખવો નહીં. ધ્વજને નુકસાન પહોંચ્યુ હોય કે મેલો થયો હોય ત્યારે તેને જેમ તેમ ફગાવવો કે ફેંકવો નહિ. કોઈ પણ પ્રકારના પોશાક અથવા ગણવેશના ભાગ તરીકે ધ્વજનો ઉપયોગ કરવો ન જોઈએ. ઓશિકા અથવા હાથ-રૂમાલો પર તેનું ભરતકામ કરવું નહીં કે નેપકીન અથવા પેટીઓ પર તે છાપવો નહીં. ધ્વજ પર કોઈપણ પ્રકારનું લખાણ લખવું નહીં. કોઈપણ ચીજ લેવા, આપવા, રાખવા અથવા લઈ જવા માટે પાત્ર તરીકે ધ્વજનો ઉપયોગ કરવો નહીં. 

       ધ્વજની શાન અને ગરિમા જળવાય તે રીતે વર્તવું તે દરેક નાગરિકની ફરજ છે. તે માટે આવી તકેદારીઓ રાખી અને જાગૃત બની હર ઘર તિરંગા અભીયાનમાં જોડાઈ ગર્વભેર તિરંગો ફરકાવીએ. 

                                       *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*