રાજકોટના શિક્ષકને રાષ્ટ્રપતિના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક' નો એવોર્ડ

*‘’એજ્યુકેશન વિથ ઇનોવેશન એન્ડ મોટિવેશન’’ના મંત્રને સાર્થક કરતા રાજકોટના ઉમેશ વાળાને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ*

*વિદ્યાર્થીઓને ગોખણ પટ્ટી નહીં પરંતુ સર્જનાત્મક શિક્ષણ તરફ વાળવા જરૂરી*

*- શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડવિજેતા ઉમેશ વાળા*

*• વાલીઓની હાયર પર્સેન્ટેજની અપેક્ષાના પરિણામે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું*

*• વિદ્યાર્થીઓને મોલ્ડ કરવા માટે વિચાર નહીં ખુદ રોલ મોડેલ બનવું જરૂરી*



      વર્ગખંડમાં બેઠેલા બાળકો એ દેશનું ભાવિ છે, શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમને મદદરૂપ થવા માટે ખુદ રોલ મોડેલ બનવું જરૂરી હોવાનું રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા રાજકોટ સેન્ટ મેરીઝ સ્કૂલના ઉમેશ વાળા જણાવે છે. 

          હાલમાં જ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવતા ઉમેશભાઈ બાળકોમાં વિવિધ ગુણો કેળવાય તે માટે પહેલા આ તમામ ગુણોને પોતે જ અનુસર્યા. બાળકોમાં નિયમિતતાના પાઠ ભણાવતા પહેલા તેમણે મળવા પાત્ર હક્ક રજાના દિવસોમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું. પ્રદુષણ જાગૃતિ માટે જાતે સાઇકલ પર સ્કૂલ આવે છે. બાળકો ઇનોવેટીવ બને તે માટે નવતર રીતે શિક્ષણ આપવાનું શરુ કર્યું. જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ‘’ઇન્નોવેશન એન્ડ એજ્યુકેશન’’ ફેરમાં તેમના પ્રોજેક્ટ્સના નિદર્શન કરવામાં આવ્યા. ઉમેશભાઈએ અનેક પુસ્તકોનું ડિજિટાઇઝેશન પણ કર્યું છે.

          પ્રવર્તમાન શિક્ષણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કેટલું પ્રભાવી છે ? તેના પ્રત્યુત્તરમાં તેઓ જણાવે છે કે,  હાલ ગોખણપટ્ટી પર વધુ ભાર મુકવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આવે છે, પરંતુ શિક્ષણ સર્જનાત્મક હોવું જોઈએ. વિદ્યાર્થીઓ વિષયને સમજે અને તેમાં રસ લેતા થાય તે જરૂરી છે. હાલ વાલીઓ તેમના બાળકોને હાયર પર્સન્ટેજ આવે તે માટે અપેક્ષા રાખતા હોઈ બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું હોવાનું અને તે સમાજ માટે નકારાત્મક અસર ઉભી કરતી હોવાનું તેઓ જણાવે  છે,         

        પ્રવર્તમાન સમયમાં બાળકો અને તેમના પેરેન્ટ્સ વચ્ચે ગેપ વધતો જતો હોવાનું જણાવી તેઓ આ ગેપ દૂર કરવા પેરેન્ટીંગ વર્કશોપ ચલાવે છે. બાળકો પ્રાયમરી શિક્ષણ બાદ હાઈસ્કુલમાં જતાં તેઓના માર્ક્સમાં ઘટાડો જોવા મળે છે. જેને પરિણામે હતાશ થઈ જતા બાળકોને તેઓ મોટિવેશન પૂરું પાડી બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનું પ્રેરણાદાયી કાર્ય કરે છે. 

       હાલની સ્થિતિમાં શિક્ષકોની શિક્ષણ પ્રત્યે રસ-રુચિ વધે તે માટે ઉમદા વિચાર રજુ કરતા શ્રી વાળા કહે છે  કે, એક ડોક્ટર કે એન્જીનીયરથી ભૂલ થાય તો તેની અસર સીમિત ક્ષેત્રો પૂરતી હોઈ શકે, શિક્ષક સામે રહેલ બાળકો જીવંત છે, તેમનું ઘડતર શ્રેષ્ઠ થશે તો જ તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે તે વિભાવના સાથે શિક્ષકોએ તેમનું કર્તવ્ય નિભાવવું જોઈએ.

       સામાન્ય પરિવારમાથી આવતા ઉમેશ ભાઈએ વિદ્યાર્થી કાળમાં શિક્ષણની સાથોસાથ મહેનત મજૂરી કરેલી છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે તેઓ વિવિધ સામાજિક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે. રજાના દિવસોમાં સ્લમ વિસ્તારના બાળકો તેમજ પરપ્રાંતીય મજૂરોના બાળકોને તેઓ શિક્ષણ ઉપરાંત ચિત્રકામ, રમત ગમત સહિતની પ્રવૃતિઓ કરાવી અનેક બાળકોના જીવનમાં નવો ઉજાસ પાથરવાનું ઉમદા કાર્ય કરે છે.   

        ઉમેશ વાળાને સેન્ટ મેરીઝ સ્કૂલ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળ્યો છે. તેમના વિચાર બીજને વટવૃક્ષ બનાવવાનું શ્રેય તેઓ સ્કૂલ અને સહાધ્યાયીઓને આપે છે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*