RAJKOT : લુખ્ખા-લફંગાઓની હવે ખેર નથી !

*મહિલા સશકિતકરણ*

*રાજકોટ જિલ્લામાં ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત ૫૫૮૦ મહિલાઓને બેઝિક અને ૮૩૭ મહિલાને એડવાન્સ સ્વરક્ષણની તાલીમ અપાઇ*

*

*રાજકોટ જિલ્લાની મહિલાઓ આત્મરક્ષણ માટે સજજઃ મહિલાઓની આત્મબળ અને આત્મનિર્ભરતામાં વધારો કરતું ‘સુરક્ષા સેતુ’*

- જિલ્લા પોલીસ અધિક્ષક

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પોલીસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ મળે, જનતા પણ પોલીસ સાથેના વ્યવહારોમાં નિર્ભયતા અનુભવે તેમજ ગુજરાત પોલીસની કામગીરી વધુ કાર્યક્ષમ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બને તે માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગે  તા.૨૬.૯.૧૨ થી ‘સુરક્ષા સેતુ’ યોજના અમલી બનાવી છે. 

‘સુરક્ષા સેતુ’ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવી, બુટલેગર મહિલાઓનું પુનઃ વસન, સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ, ટ્રાફિક નિયમન પ્રોગ્રામ (વિદ્યાર્થી અને જાહેર જનતા), વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત અને કાઉન્સેલીંગનો સમાવેશ થાય છે. 

મહિલાઓના સશકિતકરણ માટે ‘સુરક્ષા સેતુ’ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લાની શાળાની વિદ્યાર્થિનીઓને અનુ.જન જાતિ, અનુ.જાતિ તથા સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગની મહિલાઓ, શાળા – કોલેજ- સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ, ખેતમજૂરી કરતી ઝૂંપડપટ્ટી તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી તથા અસહાય મહિલાઓને સ્વરક્ષણની અસરકારક અને ગુણવત્તાલક્ષી તાલીમ આપવામાં આવી છે. 

આ સમગ્ર પ્રોજેકટ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહયો છે. તેઓ કહે છે કે ‘સુરક્ષા સેતુ’ પ્રોજેકટ અન્વયે રાજકોટ જિલ્લાની મહિલાઓ આત્મરક્ષણ માટે સજજ બની રહી છે. આ તાલીમથી તેમના આત્મબળ અને આત્મનિર્ભરતામાં વધારો થયો છે.

આ પ્રોજેકટના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નુના જણાવાયા અનુસાર, સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૨૨૭ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. જયારે ૨૦૨૨-૨૩ માં ૫૫૮૦ મહિલાઓને બેઝિક અને ૮૩૭ મહિલાને એડવાન્સ તાલીમ અપાઇ હતી. 

રાજકોટ જિલ્લામાં જસદણ, વિછિયા, આટકોટ, ભાડલા, કોટડા સાંગાણીની ૧૮૦૦, ગોંડલ શહેર અને તાલુકા, શાપર, લોધિકા, પડધરીની કુલ ૧૬૮૦ અને જેતપુર  સિટિ તથા તાલુકા, વિરપુર, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ, ઉપલેટા ધોરાજીની ૨૧૦૦ મહિલાઓને તાલીમ અપાઇ હતી.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*