Rajkot : જન્મદિવસની હિંસક ઉજવણી, યુવાઓ ખતરનાક માર્ગે : પોલીસ જાગે !

શાળાઓ આસપાસ અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહ્યાની વ્યાપક રાવ : અભ્યાસ માટે જતા યુવાઓ પર વાલીઓ નજર રાખે તે જરૂરી : શાળાઓ આસપાસ પોલીસ પેટ્રોલિંગની માંગ 

*

રાજકોટ : રાજકોટ શહેરમાં જન્મદિવસની હિંસક ઉજવણીનો યુવાઓમાં ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જન્મદિવસની ચિત્ર વિચિત્ર રીતે ઉજવણીની રિલ્સ, વિડીયો વાયરલ થઇ રહ્યા છે જે ચોંકાવનારા છે.

તાજેતરમાં વધુ કેટલાક વિડીયો વાયરલ થયા છે, જેમાં એક વિડિયો રેલનગર ખાતેની મહાપાલિકાની આવાસ યોજનાનો હોવાનું માનવામાં આવે છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે યુવાઓનું એક ટોળું જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારબાદ જેનો જન્મદિવસ હોય છે તેના હાથે કેક કપાવી  પછી તેને ઢીંકા-પાટુનો બેફામ માર મારવામાં આવે છે, આટલે થી ના અટકતા અત્યંત ખરાબ ગાળો જોર જોરથી બોલવામાં આવે છે, તથા કેમિકલ સ્પ્રેથી જેનો જન્મદિવસ હોય છે તેનો આખો ચહેરો બગાડી નાખવામાં આવે છે, વ્યક્તિ શ્વાસ પણ ન લઈ શકે તેવી હાલતમાં ચહેરા ઉપર કેક લગાવવામાં આવે છે. જાણકાર સૂત્રો અનુસાર આ પ્રકારના દૂષણ મુખ્યત્વે શાળાઓ આસપાસ વિસ્તર્યું છે, પોલીસ શાળાઓ આસપાસ પેટ્રોલિંગ કરી બહાર ધામા નાખતા યુવાઓને અટકાવે. માતા- પિતા, વાલીઓ પણ પોતાના સંતાનો પર નજર રાખે તે જરૂરી છે.

વાયરલ વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, જન્મદિવસ ની આવી ઉજવણી વખતે મોબાઈલ ફોન થી વિડીયો ઉતારવાની મનાઈ હોય છે, અને આવી ઉજવણીનો વિડીયો કોઈએ છાનો ઉતારી લીધો હતો. જન્મદિવસની હિંસક ઉજવણી લોકોની અવર-જવર ન હોય તેવા સ્થળે કરવામાં આવે છે. માતા પિતા વાલીઓને ખબર ન હોય અને આ પ્રકારની હિંસક ઉજવણીમાં કંઈક અઘટિત ઘટના ઘટી જાય તો જવાબદાર કોણ ? રાજકોટ પોલીસ દ્વારા ગુપ્ત રીતે આવી ઉજવણી ઉપર નજર રાખી અટકાવવામાં આવે તેવી માંગ પ્રબુધ શહેરીજનો કરી રહ્યા છે.