કમાલ છે ! : નારિયેળ કાચલી, ખોળમાંથી બને છે ઇકો ફ્રેન્ડલી પોર્ટ્રેટ

*દિવાલને શણગારવા પ્રકૃતિને નુકસાન નહિ, નાળિયેરના ખોળમાંથી સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી મનોહર કૃતિઓ બનાવતા તંજાવરના કુમારગુરુ*

૦૦૦૦૦

*પ્રાકૃતિક રંગો અને નારિયેળના કાચલી, ખોળ દ્વારા પૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી પોર્ટ્રેટનું નિર્માણ કરે છે*

૦૦૦૦૦

 "પ્રકૃતિના સંવર્ધન સાથે વિકાસ"ની વિભાવના થકી પ્રેરણા મળી*

૦૦૦૦૦

રાજકોટ :

 સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ગુજરાતી અને તમિલ સંસ્કૃતિ વચ્ચે કળા, સાહિત્ય, રમત ગમત, ખાનપાન સહિતના ક્ષેત્રોમાં સાંસ્કૃતિક આદાન પ્રદાન અર્થે એક સુંદર અને મોટુ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવતું આયોજન પુરવાર થઈ રહ્યું છે. સંગમ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા હેન્ડીક્રાફ્ટ હેન્ડલુમ એક્સપોમાં બંને રાજ્યના વિવિધ કલાકારો પોતાની કળાનું નિદર્શન કરી રહ્યા છે. આવા જ એક કલાકાર, તમિલનાડુના તંજાવુર જિલ્લાના કુમાર ગુરુ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

કુમાર ગુરુ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પોર્ટ્રેટસનું નિર્માણ કરી  પર્યાવરણને કોઈ પણ પ્રકારના નુકસાન ન કરે તેવા ઉત્પાદનો બનાવવાની પોતાની અનોખી કળા ગુજરાતમાં રજૂ કરી રહ્યા છે. 

કુમારગુરુ માત્ર નાળિયેરની કાચલી, તેના ખોળ અને પ્રાકૃતિક રંગ દ્વારા કલાત્મક પ્રતિકૃતિઓ તૈયાર કરે છે. આકૃતિઓમાં પ્રકૃતિને લગતી કૃતિઓથી લઈ વ્યક્તિલક્ષી પોર્ટ્રેટ પણ બનાવે છે. જેને તૈયાર કરતા મોટા ભાગે બે કલાકથી પોર્ટ્રેટ અનુસાર બે દિવસ પણ થઈ શકે છે. આ પોટ્રેટનો વધુને વધુ પ્રચાર થાય તે માટે પ્રદર્શનમાં તેની કિંમત માત્ર રૂ. ૨૫૦/-થી લઈને રૂ.૧૦૦૦/- સુધી રાખવામાં આવી છે. 

ટી.કુમાર કહે છે કે, સામાન્ય રીતે આપણે લોકો કલાકૃતિઓનું સર્જન કરવામાં, સુશોભનની બનાવટો તૈયાર કરવામાં  જાણે-અજાણે પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ ત્યારે આ કળાને વિકસાવીને પર્યાવરણને નુકસાનરહિત કળાનો પ્રચાર કરવાનો મારો ઉદ્દેશ્ય છે. ઇકો ફ્રેન્ડલી કળા વિકસાવવા ની પ્રેરણા મને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની "પ્રકૃતિના સંવર્ધન સાથે વિકાસ"ના વિચારથી મળી છે, જેને હું આગળ ધપાવી મારી આ કળાને દેશના સર્વે લોકો સુધી પહોંચાડવા માગું છું. 

૦૦૦૦૦૦૦