તસવીર : મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨,૦૯,૩૧૩ લોકોને વોટ્સએપથી મિલકત વેરાના બિલ મોકલાયા
તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૫/૨૦૨૩ સુધીમાં ૨,૨૬,૪૪૫ લોકોએ વેરો ચૂકવ્યો
*
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. નિયમિત કરદાતાઓનાં લાભાર્થે એડવાન્સ મિલકત વેરા વસૂલાત વળતર યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે, જ્યારે અગાઉનો બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અને તેમાં પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ જે કરદાતાઓનો વેરો લાંબા સમયથી ચુકવવાનો બાકી છે તેઓ સામે નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકાએ નાગરિકોને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં મિલકત વેરાના બિલ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં તા ૦૪-૦૫-૨૦૨૩ થી અત્યાર સુધીમાં કુલ ૨,૦૯,૩૧૩ લોકોને વોટ્સએપથી મિલકત વેરાના બિલ મોકલી આપવામાં આવેલ છે. બિલ મોકલવાની કામગીરી હજુ પણ ચાલુ જ છે.
આ વર્ષે પણ મોટી સંખ્યામાં રાજકોટના કરદાતાઓ રોકડ કે ચેકને બદલે ઓનલાઈન વેરો ચૂકવવાનું પસંદ કરી રહ્યા છે. તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૫/૨૦૨૩ સુધીમાં આશરે ૧,૫૩,૬૫૭ કરતા વધુ લોકોએ ટેક્સ પેટે રૂ.૮૮.૯૧ કરોડ જેવી ચૂકવેલ છે. આ સહીત વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ ૨,૨૬,૪૪૫ લોકોએ રાજકોટ મહાનગરપાલિકામાં વેરા પેટે કુલ રૂ.૧૩૯.૮૦ કરોડ જેવી રકમ ચૂકવી નાગરિક ધર્મ બજાવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના કરદાતાઓનાં લાભાર્થે જુદીજુદી બે યોજનાઓ જેવી કે એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હાલ અમલમાં મુકેલી છે અને નાગરિકોને તેનો ખુબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે. સાથોસાથ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતથી જ બાકી વેરો વસૂલવા માટે ટેક્સ રીકવરી ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી થઇ રહી છે. તા. ૧૦/૦૪/૨૦૨૩થી તા. ૨૧/૦૫/૨૦૨૩ સુધીમાં વેરા વસૂલાત શાખાએ બાકી વેરો વસૂલ કરવા માટે કુલ ૮૫૮ મિલકતો સીલ કરેલ છે.
*
દરમ્યાન તા. ૧૦-૦૪-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધીમાં ૨,૨૬,૪૪૫ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લીધો છે. જેમાં ૨,૨૬,૪૪૫ કરદાતાઓએ કુલ રૂ. ૧૩૯.૮૦ કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચુકવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કરદાતાઓને વળતર પેટે કુલ રૂ. ૧૫.૪૬ કરોડ જેટલી રકમનો લાભ આપવામાં આવેલ છે. આ જ પ્રકારે તા. ૧૪-૦૨-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધીમાં ૯૩૮૯ જેટલા કરદાતાઓએ વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લીધો છે. જેમાં ૯૩૮૯ કરદાતાઓએ કુલ રૂ. ૧૩.૧૩ કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચૂકવેલ છે.
જે નાગરિકોએ હજુ સુધી વેરો ચૂકવેલ ના હોય તેઓને એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લેવા તેમજ લાંબા સમયથી વેરો ચૂકવવાનો બાકી હોય તેવા કરદાતાઓને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો છે. વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી ચાલુ રહેશે અને તેનો લાભ લેનાર કરદાતાઓને આગલા બાકી વેરાની રકમ ચડતું વ્યાજ બંધ થવાનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
*
એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો
૩૧ મે સુધી
(૧) ૩૧ મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૧૦% વળતર આપવામાં આવશે.
(૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
(૩) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે.
(૪) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે..
(૫) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
*
૧ જુન થી ૩૦ જુન સુધી
(૧) ૧ જુન થી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫% વળતર આપવામાં આવશે.
(૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
(૩) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે.
(૪) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે..
(૫) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
*
વળતર યોજનામાં શિક્ષણવેરા સિવાય એટલે કે, મિલકતવેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેક્શન પર આ વળતર મળવાપાત્ર થશે.
*
વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ૩૧-૦૫-૨૦૨૩ સુધી મુદત:-
ગત વર્ષ ૨૦૨૨-૨૩માં મિલકતધારકોને મિલકતવેરાની અને પાણીવેરાની ચડત રકમ ખુબ જ મોટી હોય છે અને આ રકમ પર વાર્ષિક ૧૮%ના દરે વ્યાજ ચડતું હોય છે. આવા મિલકતધારકોને હપ્તા સિસ્ટમથી પાછલી બાકીની રકમ ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ” અમલમાં મુકેલ. આ સ્કીમમાં ચાલુ વર્ષનો સંપૂર્ણ વેરો ભરપાઈ કરવાનો અને પાછલી બાકીની રકમના ૧૦% રકમ ભર્યેથી બાકી રહેલ રકમ પરનું વ્યાજ ચડતું બંધ થાય અને ત્યારબાદ દર વર્ષે અનુક્રમે ૧૫%, ૨૫%, ૨૫% અને ૨૫% હપ્તાની સિસ્ટમ રાખેલ હતી. જેની મુદત ૩૧/૦૩/૨૦૨૩ સુધી હતી.
ઉપરોક્ત સ્કીમનો વધુમાં વધુ મિલકતધારકો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષનો મિલકતવેરો સંપૂર્ણ ભરપાઈ કરે અને પાછલી બાકીની રકમના ૨૫% રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સ્કીમ પછીના દરેક વર્ષ માટે પાછલી બાકી રકમના ૨૫% મુજબ કુલ ૪ હપ્તા ભરપાઈ કરવાના રહેશે. ચાર વર્ષમાં મિલકતધારક પાછલી બાકીમાંથી નીકળી જશે અને વ્યાજ ચડતું બંધ થશે. આ સ્કીમનો લાભ આગામી ૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં મિલકતધારકો લઈ શકશે.
નીચે દર્શાવેલ સ્થળોએ મિલકત વેરો ભરપાઇ કરી શકાશે:
1. ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/ તથા RMC ની મોબાઇલ એપ પર)
2. તમામ સિટી સિવિક સેન્ટરો પર
3. તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર