રાજકોટમાં વૃક્ષારોપણ : લીલોછમ દાવો, ફરી એકવાર!

*પ જૂન - ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’*

*રંગીલા રાજકોટને બનાવાશે હરિયાળુ: વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વાવેતર માટે ૧૩ નર્સરીઓમાં ૧૭.૮૨ લાખ રોપાઓનો ઉછેર*

*૨૦૨૩-૨૪ દરમિયાન ૩૧૬ હેક્ટરમાં ૩,૦૯,૯૭૭ રોપાઓનું ખાતાકીય વાવેતર કરાશે*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

                         રાજકોટ :

ગુજરાત સરકારના વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ થાય અને પર્યાવરણ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે, તે માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દર વર્ષે લાખોની સંખ્યામાં રોપાઓ ઉછેરી વાવતેર માટે વિતરિત કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ૭૪ મા વન મહોત્સવ – ૨૦૨૩ની ઉજવણી અંતર્ગત જિલ્લાની ૧૩ ખાતાકીય નર્સરીઓમાં ૧૭.૮૨ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું ચાલુ વર્ષે વનવિભાગ દ્વારા વ્યક્તિગત અને સંસ્થાને વાવેતર માટે વિતરણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક તુષાર પટેલે જણાવ્યું હતું કે, વન મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખાતાકીય નર્સરીઓ દ્વારા જિલ્લામાં ૧૭.૮૨ લાખ રોપાઓ જુદી-જુદી સાઇઝની પોલીથીન બેગમાં ઉછેરવામાં આવ્યા છે.  જેમાં વિંછીયા તાલુકામાં ‘શ્રી વિવેકાનંદ નર્સરી’માં ૧.૯૧ લાખ રોપા, પડધરી તાલુકામાં ‘નારણકા નર્સરી’માં ૨.૦૨ લાખ રોપા, ધોરાજી તાલુકામાં ‘ભોળા નર્સરી’ ૧.૬૧ લાખ રોપા, જેતપુર તાલુકામાં ‘પુનીત નર્સરી’માં ૮૫ હજાર રોપા તથા મેવાસા નર્સરીમાં ૫૫ હજાર રોપા, કોટડાસાંગાણી તાલુકામાં ‘આશાપુરા નર્સરી’માં ૨.૦૬ લાખ રોપા, ઉપલેટા તાલુકામાં મોજ ડેમ નર્સરીમાં ૧.૫૬ લાખ રોપા, જામકંડોરણા તાલુકામાં દુધીવદર નર્સરીમાં ૧.૧૦ લાખ રોપા, રાજકોટ ઉત્તરમાં રાંદરડા નર્સરીમાં ૧.૯૧ લાખ રોપા, મુંજકા નર્સરીમાં ૧.૭૦ લાખ  રોપા તથા કણકોટ નર્સરીમાં ૪૨ હજાર રોપા, રાજકોટ દક્ષિણમાં વાવડી નર્સરીમાં ૧.૦૭ લાખ રોપા તથા દેવગામ નર્સરીમાં ૧.૦૭ લાખ રોપા સહીત રાજકોટ જિલ્લામાં કુલ ૧૭.૮૨ લાખ રોપાઓનો સમાવેશ થાય છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૨૩-૨૪ દરમિયાન જુદાજુદા મોડેલ હેઠળ ૩૧૬ હેક્ટરમાં ૩,૦૯,૯૭૭ રોપાઓનું ખાતાકીય વાવેતર કરવામાં આવશે. જેમાં એન્વાયર્નમેન્ટ મોડેલ હેઠળ શિવપુર (નારણકા) અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે કુલ ૦૭ હેક્ટર વિસ્તારમાં ૭૭૭૭ રોપાઓનું વાવેતર, ગ્રામવન પિયત મોડેલ હેઠળ નાના સગાડીયા, ભાડેશ્વર મહાદેવ મંદિર, જીવાપર, ભલગામડા, છાડવાવદર કામઢવાળો વિસ્તાર, વાવડી, ચિખલીયા ખાતે ૨૬ હેક્ટરમાં ૪૧૬૦૦ રોપાઓનું વાવેતર, ગ્રામવન બિનપિયત મોડેલ હેઠળ સરધાર દરગાહની બાજુમાં, થોરડી રોડ લોધિકા, રૂપાવટી, સતાપર, પારેવડા, કાગવડ, ભલગામડા કોબા વિસ્તાર, ગુંદાસરી, વડાળી ખાતે ૩૧ હેક્ટરમાં ૧૨૪૦૦ રોપાઓનું વાવેતર, પટ્ટી વાવેતર મોડેલ હેઠળ અમરાપુર-વિંછીયા રોડ સાઈડ, જેતપુરથી જુનાગઢ નેશનલ હાઈવે તથા જેતપુરથી ઉપલેટા હાઇવે, ભાદરકાંઠાથી ધોરાજી, ભાદરકાંઠાથી સુપેડી, સાતુદડથી ચિત્રાવડ રોડ, ઉપલેટા – પોરબંદર નેશનલ હાઇવે ઉપર ૧૯ હેક્ટરમાં ૧૫૨૦૦ રોપાઓનું વાવેતર તથા ફાર્મ ફોરેસ્ટ્રી મોડેલ હેઠળ ૨૩૩ હેક્ટર વિસ્તારમાં ૨,૩૩,૦૦૦ રોપાઓનું વાવેતર કરી રંગીલા રાજકોટ જિલ્લાને વધુ હરિયાળું બનાવાશે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*