યૌન શોષણના આરોપ હેઠળ તારક મહેતાના નિર્માતા સહિત અન્ય ત્રણ વિરુદ્ધ એફઆઈઆર : અસિત મોદી પર ધરપકડની લટકતી તલવાર
મુંબઈ :
યૌન શોષણના આરોપ હેઠળ તારક મહેતાના નિર્માતા સહિત અન્ય ત્રણ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ મામલે અભિનેત્રીએ અસિત મોદીની સાથે શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ નોંધાવ્યા બાદ પવઈ પોલીસે કેસ નોંધ્યો હતો. મુંબઈ પોલીસે સોમવારે અસિત મોદી વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં એફઆઈઆર નોંધી હતી.
દોઢેક મહિના પહેલા શોની એક અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ સેટ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમનું નિવેદન નોંધ્યા બાદ ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે આ મામલે હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ એફઆઈઆર નોંધાયા બાદ અસિત મોદી પર ધરપકડની તલવાર ટંગાઈ રહી છે.
એક ઈન્ટરવ્યુમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ જણાવ્યું હતું કે અસિત મોદીએ તેનું યૌન શોષણ કર્યું હતું. શરૂઆતમાં તેણીએ શો ગુમાવવાના ડરથી વિરોધ કરવાનું ટાળ્યું હતું પરંતુ હવે પરિસ્થિતિ અસહ્ય બની હોવાથી અવાજ ઉઠાવ્યો. એ સાથે અભિનેત્રીએ કહ્યું કે, હું ફરિયાદ પૈસા માટે નથી કરી પણ સત્ય અને વિજય માટે કરી રહી છું. તેમણે સ્વીકારવું પડશે કે મારી સાથે તેમણે ખોટું કર્યું છે. આ મારી પ્રતિષ્ઠા અને સ્વાભિમાનનો પ્રશ્ન છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા કલાકારોએ વિવાદને પગલે શો છોડી દીધો છે. જેમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી, ભવ્ય ગાંધી અને રાજ અનડકટ (ટપુ), શૈલેષ લોઢા, નેહા મહેતાનો સમાવેશ થાય છે.
•ફિલ્મી એકશન