વ્હાઈટ લેબલ ATM ! : જાણો શું છે આ ?

*G20* *નાણાકીય સમાવેશન (Financial Inclusion)*

*ખાસ લેખ*

*વ્હાઈટ લેબલ ATM - બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ*

*દેશમાં 2 લાખ જેટલાં 'વ્હાઈટ લેબલ એટીએમ' કાર્યરત*

*ATM દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય ? ચાલો જાણીએ*

*** *** *** ***

રાજકોટ :

આધુનિક સમયમાં આપણા દેશમાં સંસાધનોની ઉપલબ્ધતા, યોગ્ય તાલીમ અને કૌશલ્યવર્ધનના પરિણામે દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાનો વ્યાપ વધ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે આજે યુપીઆઈ અને નેટબેન્કિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના પરિણામે નવીન યુગના મંડાણ શરૂ થયા છે. ફાઇનાન્સ ક્ષેત્રે આજે અવનવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે વધુ ઉદ્યોગસાહસિકોને આકર્ષે અને આત્મનિર્ભરતાનો વ્યાપ વધારે તેવું નવીન ઉપક્રમ છે - 'વ્હાઈટ લેબલ એટીએમ'.

*શું છે 'વ્હાઈટ લેબલ એટીએમ' :-* 

- 'વ્હાઈટ લેબલ એટીએમ' એટલે એવા એટીએમ જેનું 

સેટ-અપ, સંચાલન અને ઓપરેશન નોન-બેન્કિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવતું હોય અથવા તેના માટે બેંકની જરૂરિયાત હોતી નથી. તેના ઉપર કોઈ જ બેંકનું બ્રાન્ડિંગ કે લેબલ હોતું નથી, આથી તેને વ્હાઇટ લેબલ એટીએમ કહે છે.

*કેવી રીતે શરૂઆત થઈ?*

- 2013માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારો અને નાનાં શહેરોમાં એટીએમ સેવાઓનો વ્યાપ વધારવા માટે નોન બેન્કિંગ સંસ્થાઓ કે વ્યક્તિઓને વ્હાઇટ લેબલ એટીએમ સ્થાપવાની મંજૂરી આપવાની શરૂઆત કરવામાં આવી.

*બેંક એટીએમ કરતાં કેવી રીતે અલગ છે ? બેંક એટીએમની સરખામણીમાં શું ફાયદા છે ?*

- કોઈપણ હયાત ધંધાકીય સ્થાન કે દુકાન, જેમ કે ગ્રોસરી સ્ટોર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર વગેરે સ્થળે સ્થાપી શકાય, જેથી લોકોને એટીએમ સેવાઓ માટે વધુ ઍક્સેસ મળે.

- નાનાં નગરો, ગામડાંઓ કે જ્યાં બેંક એટીએમ ન પરવડી શકે અથવા બેંક ન પહોંચી શકે ત્યાં સારો વિકલ્પ બની શકે.

- બેંક એટીએમ કરતાં ઓછી ફી ચાર્જ કરે છે, કારણ કે તેમને બેંકને કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી.

*કઈ સુવિધાઓ પૂરી પાડે છે ?*

- કેશ ઉપાડ અને ડિપોઝિટ

- બેંક ખાતાની વિગતો ઉપલબ્ધ કરાવવી

- બિલ પેમેન્ટ

- બેંક સ્ટેટમેન્ટ અવેલેબિલિટી

- પિન ચેન્જ

- ચેક બુક રિકવેસ્ટ 

*કોણ 'વ્હાઈટ લેબલ એટીએમ' વસાવી શકે ?*

- કોઈપણ ધંધાદારી વ્યક્તિ કે અન્ય વ્યક્તિ જેમની પાસે અલગ રીતે એટીએમ રાખી શકાય, તેને ચલાવી શકાય તથા તેનું બ્રાંડિંગ કરી શકાય તેવી જગ્યા અને જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, પાનકાર્ડ, જીએસટી નંબર, બિઝનેસ પ્રુફ, ઉપલબ્ધ જગ્યાના દસ્તાવેજો)ની ઉપલબ્ધતા હોય તેઓ પોતાની જગ્યા પર આ એટીએમ વસાવી શકે છે.

*કેવી રીતે શરૂ કરી શકાય 'વ્હાઈટ લેબલ એટીએમ' ?*

-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'વ્હાઈટ લેબલ એટીએમ' ની સુવિધા અને તેનું મશીન પૂરા પાડતી કંપનીઓને આ માટેની પરવાનગી આપવામાં આવે છે. આવી કંપનીઓ પાસેથી 'વ્હાઈટ લેબલ એટીએમ' વસાવવા ઇચ્છુક વ્યક્તિ કે સંસ્થાએ ફ્રેન્ચાઇઝી  લેવી પડે છે.

- ફ્રેન્ચાઇઝી આપવા માટે અલગ અલગ કંપની અલગ અલગ ડિપોઝિટ અને કેશ લોડિંગ રકમ ચાર્જ કરતી હોય છે, જે એક જ વખત ચૂકવવાના રહેતા હોય છે.

- ત્યારબાદ એટીએમનું માસિક ભાડું અને લાઇટબિલ ફ્રેંચાઇઝી લેનારે ચૂકવવાનું રહે છે.

*કેટલી કમાણી થઈ શકે ?*

- 'વ્હાઈટ લેબલ એટીએમ' વસાવનારને એટીએમ પર થતા દરેક કેશ અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર કમિશન મળે છે.

- કેશ ટ્રાન્ઝેક્શન પર 8થી 11 રૂપિયા સુધીનું અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા સુધીનું કમિશન મળે છે.

- જેટલા કેશ અને નોન કેશ ટ્રાન્જેક્શન વધુ થાય તેટલી વધુ આવક આવા એટીએમ વસાવનારને મળી શકે છે.

*શા માટે 'વ્હાઈટ લેબલ એટીએમ' શરૂ કરવામાં આવ્યા અને કેમ તેનો વ્યાપ વધી રહ્યો છે ?*

- સેમી-અર્બન અથવા રુરલ એરિયા કે જ્યાં બેંક પોતાના એટીએમ લગાવી શકતી નથી ત્યાં સૌથી સારો વિકલ્પ હોવાથી

- એટીએમ સર્વિસિસની જીયોગ્રાફિકલ પહોંચ વધારવા માટે મહત્ત્વના હોવાથી

- ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારવા માટે

- રુરલ અને અંતરિયાળ વિસ્તારોના ગ્રાહકો કે જેમનું નજીકના શહેરમાં કોઈપણ બેંકમાં ખાતું હોય અને તેનું એટીએમ કાર્ડ ધરાવતા હોય તો તેમને એટીએમ સંબંધિત સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ થઈ શકે છે.

*'વ્હાઈટ લેબલ એટીએમ' પરથી સુવિધાઓ મેળવવા માટે ગ્રાહક પાસે શું હોવું જોઈએ?*

- કોઈ પણ બેંકનું ATM કાર્ડ અને તેનો પિન.

*દેશમાં કેટલાં 'વ્હાઈટ લેબલ એટીએમ' ?*

- 2022માં દેશમાં લગભગ 2 લાખ જેટલાં વ્હાઈટ લેબલ એટીએમ સ્થપાયેલા છે. આવા એટીએમના ફાયદાઓ, તેની પહોંચ અને સરળ બિઝનેસ મોડેલને જોતા આવનારા વર્ષોમાં આ આંકડો ખૂબ જ ઝડપથી વધવાની શક્યતાઓ રહેલી છે.

*'બ્રાઉન લેબલ એટીએમ'  કોને કહેવાય ?*

- આવા એટીએમ બેંકના એટીએમ હોય છે , પરંતુ તેનું મેન્ટેનન્સ અને ઓપરેશન બેંક દ્વારા થર્ડ પાર્ટીને આઉટ સોર્સ કરવામાં આવે છે. આવા એટીએમ બેંકના બ્રાન્ડિંગ સાથે બેંક એટીએમ તરીકે જ કાર્યરત હોય છે.

દેશમાં આવનારા સમયમાં જેમ જેમ ફાઇનાન્સિયલ લિટરેસી વધશે અને નાણાકીય ક્ષેત્રે લોક ભાગીદારી વધશે તેમ તેમ વધુને વધુ નવા સ્ટાર્ટઅપ્સ વ્હાઇટ લેબલ એટીએમ ક્ષેત્રે પોતાની દાવેદારી નોંધાવશે, કારણ કે 'વ્હાઈટ લેબલ એટીએમ' શરૂ કરવાની પ્રક્રિયા અને તેનું સંચાલન એકદમ સરળ છે તથા તે ઓછી મહેનતે અને ઓછા રોકાણ સાથે એક સારો નાણાકીય સ્રોત બની શકે તેમ છે.