રાજકોટ : લાંબા સમયથી શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે કેકેવી ચોક ડબલ ડેકર બ્રિજ ખુલ્લો મુકવાનું શુભ મુહૂર્ત અંતે નીકળી ચૂક્યું છે, પરંતુ તે પહેલા આ બ્રિજની નીચે વાહન પાર્કિંગનું ઉદ્ઘાટન શહેરીજનોએ વગર મુહૂર્ત કરી નાખ્યું છે ! છેલ્લા કેટલાક દિવસોથી આ બ્રિજ નીચે વાહનોના થપ્પે થપ્પા પાર્ક કરેલા જોવા મળે છે.
માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, કેકેવી ઓવરબ્રીજની નીચે મુલાકાતીઓનું બેરોકટોક ગેરકાયદે વાહન પાર્કિંગ શરૂ થઈ ગયું છે, કોઈ રોકતું નથી, ટોકતું નથી, પૂછતું પણ નથી. આસપાસના સંકુલો તેમના સંકુલમાં કોઈ મુલાકાતીને વાહન પાર્ક કરવા મંજૂરી આપતા નથી એટલે મુલાકાતીઓ નાછૂટકે બ્રિજની નીચે વાહન પાર્ક કરવા મજબૂર બન્યા હોવાનું જણાવે છે. આવતા શનિવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પૂર્વેના રોજિંદા દ્રશ્યો જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થયા હતા. નવા બ્રિજની ઉપર રાહદારીઓને જતા અટકાવવામાં આવી રહ્યા છે પરંતુ બ્રિજની નીચે પાર્કિંગમાં કોઈ રોકટોક નથી.