લોકમેળો તો રાજકોટનો જ હો

*રાજકોટના લોકમેળામાં સો જેટલી રાઇડસના એક હજાર થી વધુ કારીગરોને મળશે રોજગારી*

*દિવસે રંગબેરંગી દેખાતા ફઝર ફાળકા રાત્રે રંગીન રોશનીથી ઝગમગશે:દરેક રાઈડ્સના પાર્ટ્સને થઈ રહ્યા છે ઓઇલ પેઇન્ટસ(રંગરોગાન)*

*રાઈડ્સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જોશમાં: દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા ૧૨થી ૨૨ સભ્યો*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

                         રાજકોટ :

               જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે  આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા ૧૨ થી ૨૨ સભ્યો સામેલ હોય છે. પાંચથી થી સાત દિવસમાં વિવિધ રાઈડ્સની ઈન્સ્ટોલેશનની કામગીરી થાય છે. રાજકોટના આ લોકમેળામાં સો જેટલી નાની મોટી રાઇડસના એક હજારથી વધુ કારીગરો ઈન્સ્ટોલેશનના કામે લાગી ચૂક્યા છે. આ તમામને આ મેળામાં કામ અને રોજગારી મળી રહેશે.

               રંગીલા રાજકોટના લોકમેળામાં રંગરોગાન થઈ રહયા છે. ઈન્સ્ટોલેશનના કામ પહેલા રાઈડ્સના વિવિધ પાર્ટસને રંગબેરંગી ઓઇલ કલર(પેઇન્ટ) કરવામાં આવી રહ્યા છે. ફજર ફાળકા તેમજ ઝુલાને ગોઠવી તેના પર આકર્ષક રંગો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા વધુને વધુ લોકો આ ઝુલા પર આવે, જેથી તેમની રાઈડ્સ સુંદર અને આકર્ષક લાગે, લોકો  રાઈડ્સ તરફ ખેંચાય - આકર્ષિત થઈ શકે. ને વેપાર વધે. કેટલાક પાર્ટસને ઓઇલ અને ગ્રીસ કરવામાં આવે છે. જેનાથી  રાઈડ્સ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલી શકે. 

રાજકોટમાં યોજાનારા લોકમેળાની ઝગમગાટ બે પ્રકારની હોય છે. દિવસ દરમિયાન મેળાના મુલાકાતીઓને રંગબેરંગી ફઝર ફાળકાનો આનંદ મળશે. તો રાત્રે ઝગમગાટ કરતી રંગીન રોશનીની જમાવટ નિહાળશે. 

             લોકમેળામાં ઉંચી ઉંચી એકથી એક ચડિયાતી રંગબેરંગી અને રાત્રે રોશનીથી ઝળહળતી રાઈડ્લની મજા તો સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને લેતાં જ હોય છે, પરંતુ  આ રાઈડ્સ સાથે સંકળાયેલા કારીગરો કઈ રીતે, ક્યાંથી વિવિધ સ્થળોએ રાઈડ્સ લઇ જાય છે, તેની જાળવણી અને ઈન્સ્ટોલેશનની કામગીરી કઈ રીતે થાય છે અને બેશક... વેપાર કેવો થાય છે એ માટે રાઈડ્સના કારીગરો પાસેથી જાણીએ.

              મુંબઈથી ત્રણ ઝુલા રાઈડ લઈને આવેલ કારીગર આશિક શેખ કહે છે કે, "અમે આખું વર્ષ દિવાળી, જમાષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારોમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં યોજાતા વિવિધ મેળામાં રાઈડ્સ લઈને જઈએ છીએ, પરંતુ રાજકોટ જેવો ચિક્કાર જનમેદનીવાળો આટલો મોટો મેળો મેં ક્યારેય જોયો નથી. દેશભરમાં યોજાતા લોકમેળામાં રાજકોટનો મેળો શ્રેષ્ઠ અને ખરા અર્થમાં લોકપ્રિય મેળો ગણી શકાય છે. આ લોકમેળો અમને સારી એવી આવક આપે છે. અમારા કારીગરો માટે આ આજીવિકાનુ સાધન છે."

            મુંબઈના વતની એવા શ્રી ફજલભાઇ ખામસા ત્રણ ઝુલા અને પાંચ ફઝર રાજકોટના મેળામાં લઇ આવ્યા છૅ તેઓ  ચાર વર્ષથી રાજકોટના મેળામાં આવે છે તેઓ જણાવે છે કે, તેમની સાથે ૭ કારીગરો આવ્યા છે.તેઓ પ્રથમ તમામ વસ્તુની ગોઠવણી કરી તેને રંગરોગાન કરી રહ્યા છે. ત્યાર બાદ ઇન્સ્ટોલેશનું કામ કરશે.  તેઓ પોતે આ રાઈડમાં એક વાર બેસીને તમામ કામગીરી તેમજ વ્યવસ્થાની તપાસ  અને ટ્રાયલ લેશે.  ત્યાર બાદ જ તેઓ લોકો માટે આ મેળામાં રાઈડને ખુલ્લી મૂકશે. લગભગ પાંચેક દિવસ રાઇડને ગોઠવવામાં, તેને રંગ કરવામાં અને તૈયારી કરવામાં લાગે છે. આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરના લાખો માણસો દર વર્ષે આવે છે અને અમારી રાઇડની મજા માણે છે. છેલ્લા ચાર વર્ષથી આ લોકમેળામાં ભાગ લઈને હું ખૂબ સારી આવક મેળવું  છુ. 

લોકમેળો ખરા અર્થમાં રાજકોટનો જન્માષ્ટમી પર્વનો ધબકાર છે અને તે દર વર્ષે અતિ સુંદર રીતે યોજાય છે જેના દ્વારા અમને ખૂબ સારી આવક મળે છે દેશભરમાં તહેવારોના અલગ અલગ રીતે ઉજવાય ત્યારે સૌરાષ્ટ્રના આ લોકમેળાની તો વાત જ વિશેષ છે તેવું તેઓએ ઉમેર્યું હતું.

                   *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*