થ્રેડ વર્ક પોર્ટ્રેટ : રાજકોટ લોકમેળાનું આકર્ષણ

*થ્રેડ વર્ક પોર્ટ્રેટ બન્યા રસરંગ લોકમેળાનું આકર્ષણ*

*અંદાજે ૪૫૦ થી વધુ વિવિધ ડિઝાઇન બનાવી રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર થ્રેડવર્ક આર્ટિસ્ટ દિલીપ જગડની કળાને વખાણતા રાજકોટવાસીઓ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


              રાજકોટ :

રંગીલા રાજકોટમાં રસરંગ જન્માષ્ટમી લોકમેળાનો શુભારંભ થઈ ગયો છે. રાજકોટની ઉત્સવપ્રેમી જનતા આ મેળાનો લાભ લઈ રહી છે ત્યારે લોકમેળામાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ કળાઓ જેવી કે હસ્તકલા,ચર્મકળા,માટીકામ, કાચની કારીગરી વગેરેના કારીગરોને પોતાની કળાનું લોકોને પ્રદર્શન કરવા સાથે જ તેનું વેચાણ કરવાની તક મળે તે માટે ઇન્ડેક્સ્ટ-સી અંતર્ગત પ્રદર્શન અને વેચાણ માટે વિવિધ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.જેમાં સ્ટોલ નં.૧૨ પોતાની અનોખી થ્રેડ વર્કની કળા માટે ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. 

સ્ટોલ નં.૧૨ પર અમદાવાદના થ્રેડ વર્ક એટલે કે દોરી કામના આર્ટિસ્ટ દિલીપભાઈ જગડ પોતાના વિવિધ પોર્ટ્રેટ અને ગિફ્ટ કાર્ડ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિલીપભાઈ જગડ ૨૩ વર્ષથી દોરી કામ કરે છે. દિલીપભાઈ થ્રેડ વર્કમાં ગાણિતિક આકારો, ભગવાન કૃષ્ણ,ગણેશજીની પ્રતિકૃતિઓ, મેડીટેશન પરિમિતિ ડિઝાઇન અને લોકોના ચહેરાના પોર્ટ્રેટ સહિત અંદાજે ૪૫૦થી વધુ અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવી ચૂક્યા છે. ૨૦૧૯માં થ્રેડ વર્ક માટે તેમને રાજ્ય સરકાર દ્વારા ખાસ રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે. દિલીપભાઈ થ્રેડ વર્કમાં હાલ સુધીમા નાનામાં નાની ૬×૮ની આકૃતિથી લઈ મોટી ૨૫×૩૬ની ડિઝાઇન પણ બનાવી ચૂક્યા છે.આ પોર્ટ્રેટને વોલપીસ તરીકે તેમજ નાની કૃતિઓને ગિફ્ટ કાર્ડના સ્વરૂપમાં પણ તેઓ બનાવે છે. દિલીપભાઈએ ખાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપવા માટેનું દોરી વર્કથી પોર્ટ્રેટ બનાવેલું છે જે દરેક મુલાકાતી માટે સ્ટોલ પર ખૂબ ધ્યાનાકર્ષક બન્યું છે. 

દિલીપભાઈ કહે છે કે, રંગીલુ રાજકોટ મને અતિ પ્રિય છે.હું અગાઉ પણ રાજકોટના લોકમેળામાં મારી કળાને લઈને આવી ચૂક્યો છું ત્યારે પણ મને રાજકોટવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.રાજકોટમાં મારી કળાને માન આપનારા અનેક લોકો છે.રાજકોટ થી હરહંમેશ હું મારા થેલા ખાલી લઇને જાઉં છું.મારી કૃતિને લોકો એટલા પસંદ કરે છે કે અહીં તેનું ખૂબ વેચાણ થાય છે. 

દોરી વર્ક વિશે વધુ જણાવતા દિલીપભાઈએ કહ્યું હતું કે, સામાન્ય રીતે પેઇન્ટિંગ કરવી હજુ સહેલી છે પરંતુ પેઇન્ટિંગ પર સમાન અંતરે કોતરણી કરી અને તેમાંથી દોરા પસાર કરવાની આ કળા ખૂબ સમય અને ધ્યાન માંગી લે છે.રાજ્ય સરકાર તરફથી મારી આ મહેનતને બિરદાવી મારી કળાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ લોકમેળામાં અમને નિ:શુલ્ક સ્ટોલ આપી અમારી કળને લોકો સુધી પહોંચાડવાની તેઓ અમને તક આપે છે જે બદલ હું સરકારનો ખૂબ જ આભારી છું. 

દિલીપભાઈએ ઉદ્યોગ વિભાગના આર્ટીઝન કાર્ડનો પણ લાભ મેળવેલ છે, જેના થકી તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે, સાથે જ તેમની કળાને વિવિધ સ્થળો પર પ્રદર્શિત કરવા માટે તેમને ખાસ આમંત્રિત કરવા પણ આવે છે.દિલીપભાઈ રાજ્યમાં વિવિધ શહેરોમાં થ્રેડ વર્ક માટે વર્કશોપ યોજી અન્યોને પણ આ કળા શીખવે છે. 

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*