*૧૦ ઓક્ટોબર : માનસિક બીમારીની જાગૃતિ અર્થે ઉજવાતો "વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ"*
૦૦૦૦૦૦૦૦૦
*વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી*
• વધુ પડતી ઉદાસી, બેચેની, ચિંતા, ભય, ગુસ્સો, નબળા વિચારો માનસિક બીમારીના લક્ષણો
• માનસિક બીમારી વ્યસન અને આત્મહત્યા કરવા પ્રેરે છે
• સહાય માટે ‘ટેલીમાનસ’ – ૨૪X૭ હેલ્પ લાઈન ૧૪૪૧૬ અને ૧-૮૦૦-૮૯૧-૪૪૧૬
૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ :
સમગ્ર વિશ્વમાં માનવી શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જેટલો સભાન હોય છે તેટલો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન હોઈ જાગૃતિના અભાવે કરોડો લોકો માનસિક સારવારના અભાવે બેચેની, ઉદાસી, હતાશા અને આત્મહત્યા તરફ દોરવાતા જોવા મળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૦ મી ઓક્ટોબરનો દિવસ માનસિક બીમારીની જાગૃતિ અર્થે ‘’વિશ્વ માનસિક સ્વાથ્ય’’ દિવસ તરીકે ઉજવવામાં છે. જેની આ વર્ષની થીમ 'માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક માનવ અધિકાર છે'.
પ્રવર્તમાન સ્થિતિમાં માનસિક બીમારીનું પ્રમાણ સમાજમાં ખુબ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરેલા સર્વે મુજબ દર ચારમાંથી એક વ્યક્તિને તેના સમગ્ર જીવન દરમ્યાન કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી થતી હોય છે. વિશ્વમાં ૧૫ કરોડ કરતા વધુ લોકો ઉદાસીના રોગથી પીડાય છે. તેના પરિણામે ૯ કરોડથી વધુ લોકો વ્યસન રોગથી પીડાય છે, અને ૧૦ લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે.
આપણા દેશની વાત કરીએ તો ૯૦ ટકા જેટલા માનસિક બીમારી ધરાવતા દર્દીઓને સારવાર મળતી નથી. જેનું મુખ્ય કારણ માનસિક બીમારી વિશેની જાગૃતિનો અભાવ અને બીમારી વિશેની ગેર માન્યતા જવાબદાર છે.
*માનસિક બીમારીના લક્ષણો*
પદ્મકુંવરબા હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો. નીરવ ચુડાસમાએ વિવિધ માનસિક બીમારી અંગે સમજાવતા કહ્યું છે કે, ચિંતા, ઉદાસી, સ્કિઝોફ્રેનિયા, ધૂન એ વધારે પડતા સમય સુધી રહે તો તે માનસિક રોગમાં પરિણમી શકે છે. જેના લક્ષણોમાં વ્યક્તિને ચોક્કસ સ્થિતિમાં ડરની લાગણી, બેચેની અનુભવાય, સ્વભાવ ચીડિયો થઈ જવો, જીવ નીકળી જશે તેવો ડર લાગવો, વ્યક્તિને જલ્દીથી ગુસ્સો આવવો, સ્વભાવ ચિડિયાપણો થઈ જવો, ભૂખ ના લાગવી, ઊંઘ ના આવવી, સતત મરી જવાના વિચારો આવવા, દર્દીને જાતજાતના વહેમ, શંકા થવી, પોતાની દુનિયામાં ખોવાયેલું રહેવું, સતત હસવું કે રડવું જેવા લક્ષણો હોઈ શકે. આ સ્થિતિમાં તેઓનું કાઉન્સેલિંગ અને દવા દ્વારા નિરાકરણ લાવી શકાય છે.
લોકોમાં માનસિક બીમારી અંગે કેટલીક ગેરમાન્યતાઓ પણ હોવા અંગે ડો. નીરવ જણાવે છે કે, દેવી દેવતાના પ્રકોપથી માનસિક રોગ થાય છે, રોગી હિંસક હોય છે તેથી તેઓને બંધનમાં રાખવા જોઈએ, દવાઓ નુકસાનકારક અને વ્યસની બનાવે છે. જયારે આ બાબતો ગેરમાન્યતા ભરેલી હોઈ દર્દી અને તેના પરિવારજનોએ કોઈપણ પ્રકારનો સામાજિક ભય રાખ્યા વગર વહેલી તકે દર્દીને વહેલી તકે સારવાર પુરી પાડવી જોઈએ.
*માનસિક રોગ થવાની સંભાવના અને ઉપાય*
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ શ્રી યોગેશ જોગસણના જણાવ્યા અનુસાર માનસિક રોગની સંભવનાના ઘણા કારણો છે. બાળક ગર્ભાવસ્થામાંથી લઈ તેના ઉછેર, પારિવારિક, સામાજિક કે અન્ય બાહ્ય વાતાવરણ અસરકર્તા હોઈ શકે. નાની ઉંમરે કોઈ વિખવાદ, આઘાતજનક ઘટનાના, વિચારોનું દમન કે રાસાયણિક અસંતુલન જવાબદાર હોઈ શકે.
આશરે એક લાખથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરનાર ભવનની ટીમના અધ્યક્ષ ડો. જોગસણ જણાવે છે કે, માનસિક રોગ માટે પ્રવર્તમાન સમયમાં ખાનપાન, રહેણીકરણી, સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પરિવર્તનને જવાબદાર ગણાવી ઉકેલ આપતા જણાવે છે કે આપણે પૌષ્ટિક આહાર, યોગા-ધ્યાન અને ગમતી પ્રવૃત્તિ કરવી જરૂરી છે. આ સાથે પૂરતી ઊંઘ લેવી, મોબાઈલનો ખપ પૂરતો ઉપયોગ, વર્તમાનમાં જીવવું, પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવો અને શક્ય તેટલું કુદરતી વાતાવરણ અને હકારાત્મક વિચારધારા અપનાવવી જોઈએ.
*જનજાગૃતિ અર્થે વ્યાપક પગલાઓ*
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતિ અર્થે પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા શાળા, કોલેજ, ગ્રામ પંચાયત, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક આરોગ્યની જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જયારે મનોવિજ્ઞાન ભવન દ્વારા કેમ્પસ ખાતે કાઉન્સેલિંગ અને અને શાળા કોલેજમાં સેમિનાર યોજવામાં આવે છે.
માનસિક દર્દીને સધિયારો પૂરો પાડવો તે સમગ્ર પરિવાર અને સમાજની જરૂર છે ત્યારે, રાજ્ય સરકાર પણ આ બાબતે સતત ચિંતિત હોઈ માનસિક રોગીઓ માટે ખાસ ટેલીમાનસ નામની હેલ્પલાઇન નંબર ૧૪૪૧૬ અને ૧-૮૦૦-૮૯૧-૪૪૧૬ શરુ કરી છે.