ભારતના ઇતિહાસમાં પહેલીવાર નવજાતના અંગોનું દાન

સુરત :

હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીએ પોતાના પાંચ દિવસના જન્મજાત બાળકના કિડની, લિવર, બરોળ અને ચક્ષુઓનું દાન કરી ઓર્ગન નિષ્ફળતાના બાળકોને નવું જીવન અને નવી દ્રષ્ટી આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

*

ભારતના ઇતિહાસમાં પહેલીવાર પાંચ જ દિવસના જન્મજાત બાળકના કિડની, લિવર, બરોળ અને ચક્ષુઓનું દાન સુરત થી કરાવવામાં આવ્યું.

અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં હંમેશા સુરત અગ્રેસર રહ્યું છે. સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો-હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે ૧૩ ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તેથી વધુ સારવાર માટે તેને ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. અહી બાળકને વેન્ટીલેટર પર રાખી બાળકની સારવાર શરુ કરવામાં આવી હતી. થોડા દિવસની સારવાર બાદ ડો.હિમાંશુ પાનસુરીયા, ડો. રીતેશ શાહ  અને ડો.અતુલ શેલડીયા દ્વારા બાળકને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યું હતું. 

બાળકને બ્રેઇનડેડ જાહેર કરતા પારિવારિક મિત્ર હિતેષભાઈ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડીયાનો સંપર્ક કરી બાળકના બ્રેઇનડેડની જાણકારી આપવામાં આવી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ. ગોંડલિયા અને વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલભાઈ તળાવીયા અને અન્ય સભ્યોના સહકાર અને સમજણ થકી બાળકના પિતા હર્ષભાઈ, માતા ચેતનાબેન, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મીબેન સૌએ સામુહીક નિર્ણય લઈને માત્ર પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પવિત્ર નવરાત્રીમાં પુણ્યનું આ કામ કર્યું હતું.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અને બરોળ અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યું અને NOTTO દ્વારા લિવર દિલ્હીની ILDS હોસ્પીટલને ફાળવવામાં આવ્યું.

બંને કિડનીઓ અને બરોળનું દાન અમદાવાદની IKDRC ની ટીમે, લિવરનું દાન દિલ્હીની ILDS હોસ્પીટલની ટીમે જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કે સ્વીકાર્યું હતું. 

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ પાંચ દિવસીય બાળકના માતા-પિતા ચેતનાબેન અને હર્ષભાઈ સંઘાણીની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

ડોનેટ લાઈફ સંસ્થા પાંચ દિવસીય બાળકના અંગદાન કરાવવાની સંમતિ આપનાર માતા ચેતનાબેન, પિતા હર્ષભાઈ, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મીબેન, પારિવારિક મિત્ર હિતેષભાઈ કરકર તેમજ સમગ્ર સંઘાણી પરિવારના અન્ય સભ્યો, ડો.હિમાંશુ પાનસુરીયા, ડો. રીતેશ શાહ, ડો. અતુલ શેલડીયા, ડૉ.નિલેશ કાછડીયા, જીવનદીપ ઓર્ગન ડોનેશનના પી.એમ.ગોંડલિયા, વિપુલભાઈ તળાવીયા અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે.