રાજકોટમાં રખડું ઢોર મુદ્દે હવે FIR નું શસ્ત્ર

રખડતા પશુઓ પકડવાની કામગીરી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ સરકારી કચેરીઓની બેઠક યોજાઈ

===============================

ઢોર પકડવાની કામગીરીમાં અડચણો ઉભી કરનાર લોકો વિરૂધ્ધ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવશે : મ્યુનિ. કમિશનર 

        રાજકોટ : હાઈકોર્ટ અને રાજ્ય સરકાર ના દિશાનિર્દેશ અનુસાર રાજકોટ શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી વધુ અસરકારકરીતે થઇ શકે તેવા હેતુસર વિવિધ સરકારી કચેરીઓ સાથે યોગ્ય સંકલન સાધવા તા.૩૦/૧૦/૨૦૨૩નાં રોજ મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવદંડક મનિષભાઈ રાડીયા, ડી.સી.પી.  પાર્થરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી, એ.સી.પી. (પોલીસ હેડ ક્વાર્ટર)  મુનાફ પઠાણ, ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી વતી એસ.ડી.એમ.  કે.જી.ચૌધરી, તેમજ પશુપાલન વિભાગ, આર.ટી.ઓ. પશ્ચિમ રેલ્વે, વગેરે વિભાગોના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

      

        આ મીટિંગ અંગે મ્યુનિ. કમિશનર એ એમ જણાવ્યું હતું કે, માનનીય હાઈકોર્ટ અને રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે સર્જાતી સમસ્યાઓના નિરાકરણ માટે આવા પશુઓ પકડવાની કામગીરી અસરકારરીતે થાય તે માટે આજે વિવિધ સરકારી વિભાગોના અધિકારી ઓ સાથે યોજાયેલી આજની બેઠકમાં જુદાજુદા મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં રખડતા પશુઓના મુદ્દા ઉપરાંત ટ્રાફિક, દબાણ અને સફાઈ કામગીરીની બાબતનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા ૩૮ હજાર જેટલા રખડતા પશુઓ પકડી ચુકી છે અને ત્યારબાદ જરૂરી ઔપચારિક કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલ છે. રખડતા પશુઓને કારણે સર્જાતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા વિવિધ સરકારી વિભાગોનું સંકલન કરવામાં આવી રહ્યું છે.


 મ્યુનિ. કમિશનર એ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ચોક ખાતે લગાવવામાં આવેલા ૯૫૦થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) મારફત જાહેર માર્ગો પર બાજ નજર રાખી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ અન્ય એક મહત્વપૂર્ણ બાબત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર એ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ટીમ રખડતા પશુઓ પકડવા નીકળે એ સાથે જ નંબર પ્લેટ વગરના બાઈક પર બેસી કેટલાક લોકો આ ટીમની ગતિવિધિઓ પર નજર રાખે છે અને પોતાના લાગતાવળગતા લોકોને માહિતી આપે છે. આ ઉપરાંત એવું પણ જાણવામાં આવે છે કે, કોઈ ચોક્કસ સમૂહ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં પણ અંગેની માહિતી શેર કરવામાં આવે છે. આમ વિવિધ પ્રકારે તંત્રની કામગીરીમાં જુદાજુદા સ્વરૂપે અડચણો ઉભી કરવાની આ પ્રકારની ચેષ્ટાને કારને રખડતા પશુઓ પકડવાની કામગીરી પર અસર થાય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, નંબર પ્લેટ વગરના બાઈક ચાલકો અને વોટ્સએપ ગ્રુપ ચલાવતા લોકો વિરૂધ્ધ એફ.આઈ.આર. જેવી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, સરકારી જમીનો કે રેલ્વે તંત્રની જમીનો પર પશુઓ રાખવામાં નાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટર તંત્ર, રેલ્વે અને પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો અને ફૂટપાથ પરના દબાણો હટાવવા તેમજ સફાઈ કામગીરી અંગે પણ જરૂરી આયોજન કરવામાં આવેલ છે.