RMCના ચમત્કારને TEA એસોશિએશનના નમસ્કાર !

રાજકોટ :

ગંદકી સબબ સીલ થયેલ ચાની બે હોટલ અનુસંધાને રાજકોટ ટી એસોશિએશન દ્વારા “સ્વચ્છ ભારત મિશન”માં સંપૂર્ણ સાથસહકારની મ્યુનિ. કમિશનરશ્રીને ખાતરી અપાઈ:

 ================

મ્યુનિ. કમિશનર આનંદ પટેલને રૂબરૂ મળી રાજકોટ ટી એસોશિએશનના હોદેદારોએ ચાની હોટલ પાસે સ્વચ્છતા જાળવવા જરૂરિયાત મુજબ ડસ્ટ બિન રાખવા અને ગ્રાહકોને જ્યાંત્યાં 

કચરો ન ફેંકવા તથા ડસ્ટ બિનમાં જ કચરો નાંખવા સમજાવવાની પણ લેખિત બાંહેધરી આપી

*

રાજકોટ ટી એસોશિએશનની માફક જ અન્ય વ્યવસાયોના એસોશીએશનો પણ રંગીલા રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવામાં સંપૂર્ણ યોગદાન આપી સ્વચ્છ ભારત મિશનને ખરા અર્થમાં સફળ બનાવે તેવી રાજકોટ મહાનગરપાલિકા વતી હું હાર્દિક અપીલ કરૂં છું.: મ્યુનિ. કમિશનર 

*

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ ખાતે આવેલ મચ્છોધણી હોટલ તથા રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે આવેલ હોટલ દેવજીવનને જાહેર ગંદકી સબબ સીલ કરવામાં આવેલ હતી. આ પગલાં અનુસંધાને રાજકોટ ટી એસોશિએશનના હોદેદારોએ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને રૂબરૂ મળી હોટલ પાસે જોવા મળેલી જાહેર ગંદકી અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. સાથોસાથ ચાની હોટલ પાસે સ્વચ્છતા જાળવવા જરૂરિયાત મુજબ ડસ્ટબિન રાખવા અને ગ્રાહકોને જ્યાંત્યાં કચરો ન ફેંકતા ડસ્ટબિનમાં જ કચરો નાંખવા સમજાવવા અને આ સ્વચ્છતા અભિયાનમાં સાથસહકારની લેખિત ખાતરી આપી હતી. 

રાજકોટ ટી એસોશિએશનના હોદેદારોએ મ્યુનિસિપલ કમિશનર  આનંદ પટેલ સમક્ષ વધુમાં ખાતરી આપતા એમ પણ કહ્યું હતું કે, ચાની હોટલ પાસે જાહેરમાં કચરો ના થાય તેમજ હોટલના સ્ટાફ દ્વારા સમયાંતરે સાફ-સફાઈ થતી રહે તેની કાળજી રાખવામાં આવશે. જરૂર પડ્યે કચરા ટોપલીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. સાથોસાથ હોટલના સ્ટાફ દ્વારા ગ્રાહકોને કચરા ટોપલીમાં જ કચરો ફેંકવા પણ સમજાવવામાં આવશે. જાહેર ગંદકી અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત થયેલ દંડની રકમ ભરપાઈ કરી આપવાની બાંહેધરી સાથે ઉપરોક્ત બંને હોટલના સીલ હટાવવા અને ધંધો ફરી શરૂ કરવાની અનુમતિ આપવાની પણ રાજકોટ ટી એસોશિએશનના હોદેદારોએ મ્યુનિસિપલ કમિશનર  આનંદ પટેલને વિનંતી કરી હતી. આ ઉપરાંત તેઓએ માનનીય પ્રધાનમંત્રી એ હાથ ધરેલા “સ્વચ્છ ભારત મિશન”માં સંપૂર્ણ સાથસહયોગની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવું એ સૌ રાજકોટવાસીઓની નૈતિક ફરજ છે. આમજનતા તેમાં સ્વયંભુ શામેલ થાય તે ઇચ્છનીય છે. રાજકોટ ટી એસોશિએશનની માફક જ રાજકોટના અન્ય વ્યવસાયોના એસોશીએશનો પણ રંગીલા રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવામાં સંપૂર્ણ યોગદાન આપી સ્વચ્છ ભારત મિશનને ખરા અર્થમાં સફળ બનાવે તેવી રાજકોટ મહાનગરપાલિકા વતી હું હાર્દિક અપીલ કરૂં છું.