રંગીલા રાજકોટને 660 રંગોળીનો શણગાર


રાજકોટ :

ફાઇવ જી જેવા ફાસ્ટ યુગમાં ચિરોડીની રંગોળી વિસરાતી પરંપરાઓ તરફ ધસી રહી છે. ગુજરાતમાં દાયકા પહેલા અગિયારસથી ભાઇબીજ સુધી રોજ નવી નવી રંગોળીઓ લગભગ દરેક આંગણે બનતી, હવે લોકો પાસે હરવા ફરવાનો સમય છે પણ રંગોળી સજાવવાનો સમય નથી. આ પરિસ્થિતિમાં રંગીલા રાજકોટમાં રંગોળી બનાવવાનો રેકોર્ડ પાછલા પાંચ વર્ષથી થઇ સર્જાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે.


રાજકોટ શહેર રંગીલું છેજ પણ દિવાળીએ એમાં વધુ રંગો ઉમેરાય છે કારણકે શહેરના હાર્દ સમા રીંગરોડ પર પારાવાર રંગોળીઓ ચિરોડી રંગો વડે તૈયાર થાય છે. બે દિવસ સુધી રંગોળીઓ અકબંધ રહે છે અને હજારો રાજકોટવાસીઓ એમાં જોડાય છે. 

રાજકોટમાં 2017થી રેસકોર્ષ રીંગરોડ ફરતે 600 કરતા વધારે રંગોળીઓ સજાવવાની હરિફાઇ યોજાય છે અને એમાં રાજકોટ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં રેકોર્ડ બનાવતું જાય છે. દિવાળી પર્વ પર આટલી બધી સંખ્યામાં રંગોળીઓ અને એ પણ જાહેર તથા ટ્રાફિકથી અતિ વ્યસ્ત રસ્તા પર બનતી હોય એવું ક્યાંય જોવા મળતું નથી.


રાજકોટ શહેર એ રીતે નવો રેકોર્ડ દર વર્ષે બનાવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્ર નગરી દ્વારા રંગોળી બનાવવાનું આયોજન થાય છે. એમાં રાજકોટના પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કલાકારો, શીખતા હોય એવા વિદ્યાર્થીઓ પણ હોંશેહોંશે ભાગ લઇને રંગોળીથી રાજકોટને સજાવવામાં મદદ કરે છે.2023માં 660 જેટલી રંગોળીઓ વ્યક્તિગત અને ગ્રુપમાં બનાવવામાં આવી છે. એમાં આશરે ત્રણ હજાર કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 2017માં 870 રંગોળી આખા રેસકોર્ષ રીંગરોડ ફરતે તૈયાર કરવામાં આવી હતી. આ વિસ્તાર આશરે ચારેક કિલોમીટર જેટલો થાય છે.


શહેરમાં વધતી જતી ટ્રાફિકની સ્થિતિ ને લીધે પોણા ભાગના રેસકોર્ષ રીંગરોડ પર રંગોળીઓ બને છે. અગાઉ 870 રંગોળીઓ એકસાથે બનાવવાનો રેકોર્ડ સર્જાયો હતો. જોકે હવે વિસ્તાર ઘટાડવો પડ્યો છે છતાં 660 જેટલી રંગોળીઓ આ વર્ષે બની છે. એ બહુ મોટો કિર્તીમાન છે. એ બાબતની નોંધ કદાચ કોઇ રેકોર્ડબુકમાં લેવામાં આવતી નથી પણ રંગીલા રાજકોટવાસીઓ રેકોર્ડ માટે નહીં પોતાના શોખથી અને પરંપરા જળવાય એ હેતુથી આ સ્પર્ધામાં હોંશેહોંશે સહભાગી બને છે. એકાદ લાખ લોકો આ રંગોળી નિહાળવા આવે છે. રાજકોટના નામે આપોઆપ સર્જાતો આ રેકોર્ડ છે જે લોકોના મનમાં આખા વર્ષ માટે રેકોર્ડ થઇ જાય છે.