રાજકોટ RTO કચેરી બની ફેસલેસ, અરજદારોને હાશ !


*આર.ટી.ઓ. ની ફેસલેસ સુવિધા - વર્ષ ૨૦૨૩ :*

*૬૨ હજાર થી વધુ લાઇસન્સ, વ્હિકલલક્ષી સેવાઓનો ઘેર બેઠા લાભ લેતા અરજદારો*

- *સેવાઓ ફેસલેસ થતા કચેરીનો માહોલ બદલાયો, કામગીરી બની સરળ અને ઝડપી*

- *લોકોનો સમય, શક્તિ અને પૈસાની બચત*     


રાજકોટ :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા" મિશનની સફળતાનો લાભ આમ જનતાને ઘર બેઠા વિવિધ સેવાઓ થકી મળી રહ્યો છે, જે "વિકસિત ભારત"ની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે.

"ડિજિટલ ઇન્ડિયા" અન્વયે વિવિધ કચેરીની પ્રજાલક્ષી કામગીરી ઓનલાઇન થતા જે, તે  વિભાગને લગતી સુવિધા વ્યક્તિ કોઈપણ સ્થળેથી કચેરી રૂબરૂ ગયા વગર મેળવી રહ્યો છે. જેમાં મોટા ભાગના લોકોને સ્પર્શતી એવી આર.ટી.ઓ. (રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ની સેવા પણ બાકાત નથી. આર.ટી.ઓ.ની મુખ્યત્વે લાઇસન્સ અને વાહન સંબંધી  સંબંધી સેવાઓમાં અનેક કામગીરી ફેસલેસ થઈ જતા નાગરિકોને ઘર બેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓ મળી રહી છે.

          આ અંગે માહિતી આપતા આર.ટી. અધિકારી  કેતન ખપેડે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં રાજકોટ આર.ટી.ઓ.ની આ ફેસલેસ કામગીરી થકી ૬૨,૮૩૭ જેટલી જુદી જુદી કામગીરીનો લાભ ઓનલાઇન ઘરે બેઠા લોકોએ લીધો છે. જેમાં  લાઇસન્સને લગતી કુલ ૩૫,૧૫૩  તેમજ વાહનને લગતી ૨૭૬૮૪ જેટલી અરજીઓનો નિકાલ કરવામા આવ્યો છે.

          ખપેડે જણાવ્યું હતું કે, લાઇસન્સમાં રીન્યુઅલ, ડુપ્લીકેટ તેમજ લાઇસન્સની વિગતો ફેરફાર સંબંધી સૌથી વધુ અરજીઓ આવતી હોય છે. જયારે વાહનોમાં મુખ્યત્વે વાહનોમાં નામ ટ્રાન્સફર, લોન, આર.સી. બુક, એન.ઓ.સી.,વિવિધ પરમીટ સંબંધી સેવાઓનો લાભ અરજદારો ઘર બેઠા મેળવે છે. મોટા ભાગે આધાર કાર્ડ અને જરૂરી કાગળો ઓનલાઇન સબમિટ કરી અપાતા આ સેવાઓ માટે અરજદારે કચેરી સુધી ધક્કો ખાવો પડતો નથી. 

અરજદારે રૂબરૂ આવવું જરૂરી નથી તેવી હાલ હાલ ૭૦ ટકા જેટલી કામગીરી ફેસલેસ કરી આપવામાં આવે છે.

          આર.ટી.ઓ.ની મહત્તમ સેવાઓ ફેસલેસ થઈ જતા અને આ પ્રકારની સેવામાં લોકોનો સમય, શક્તિ અને નાણાં વ્યય થતો અટક્યો છે. કચેરીઓમાં પણ પહેલા જે રીતે લોકોનો માહોલ બનતો હતો તેના કારણે કામગીરી ધીમી થતી, હાલ કચેરીમાં ફેસલેસ સેવાના કારણે જૂજ સંખ્યામાં લોકો કચેરીએ આવતા હોઈ કામગીરી પણ સરળ બની હોવાનું શ્રી ખપેડે જણાવ્યું હતું.

          મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે, જેનો સીધો લાભ આમ નાગરિકોને મળી રહ્યો છે. ત્યારે આર.ટી.ઓ. વિભાગની ફેસલેસ કામગીરી થકી ભારત વિકાસની  ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે તેમ ચોક્કસ કહી શકાય.