20 મહિનાના બાળકના અંગોનું દાન



શ્રી સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ રિયાંશ યશ ગજ્જરના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી વીસ મહિના ના રિયાંશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ બાળકોને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ૧૨ વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં બે જરૂરિયાતમંદ બાળકોમાં કરવામાં આવશે. 


બનાવની વિગત: 

B૧, ૧૦૪, ઓમકાર રેસીડન્સી, પાલનપુર-કેનાલ રોડ, મીની વીરપુર મંદિરની પાસે, પાલનપુર, સુરત ખાતે રહેતા અને અડાજણમાં આવેલ HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા યશ અજયકુમાર ગજ્જરનો વીસ મહિનાનો પુત્ર રિયાંશ તા. ૨૮ ડીસેમ્બરના રોજ રાત્રે ૭:૦૦ કલાકે પોતાના ઘરના પહેલા માળે થી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પિતા યશ અને અન્ય પરિવારજનોએ તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પીટલમાં ડૉ. મેહુલ પંચોલીની સારવાર હેઠળ દાખલ કર્યો. 

તા. ૧ જાન્યુઆરી ના રોજ પીડીયાટ્રીશયન ડૉ. મેહુલ પંચોલી, ડૉ. ફોરમ વાઘેલા, ડૉ. પૂજા માંકડિયા, અને પીડીયાટ્રીક ન્યુરોફીઝીશીયન ડૉ. મયંક દેત્રોજાએ રિયાંશને બ્રેઈનડેડ જાહેર કર્યો. 

ગજ્જર પરિવારના સુધીરભાઈએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી રિયાંશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. 

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રિયાંશના પિતા યશ, માતા ધ્વની, દાદાજી અજયકુમાર, દાદીમાં મેઘનાબેન, નાનાજી રાજેશભાઈ, નાનીમાં હર્ષાબેન, વરૂણભાઈ, સુધીરભાઈ, ગજ્જર પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

રિયાંશના માતા-પિતા ધ્વની, યશ તેમજ દાદાજી અજયભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. ડોનેટ લાઈફ સંસ્થાના અંગદાનના વિડીયો દ્વારા નાના બાળકોને પણ અંગોની જરૂરિયાત રહેતી હોય છે, તેની જાણકારી અમને મળતી હતી. અમારું બાળક બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન થકી અંગ નિષ્ફળતાના બાળકોને નવુંજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અમારા દીકરાના અંગદાન થી, અમારો દીકરો બીજા બાળકોમાં અંગ પ્રત્યારોપણ મારફત જીવી રહ્યો છે તેમ અમે માનીશું. રિયાંશના પરિવારમાં તેના પિતા યશ ઉં.વ.૨૮ જેઓ અડાજણમાં આવેલ HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે, માતા ધ્વની ઉ.વ.૩૦ જેઓ ગૃહિણી છે, દાદાજી અજયભાઈ ઉ.વ. ૫૧ જેઓ ક્રોમાટેક્ષ યાર્નની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. દાદીમાં ઉ.વ. ૪૭ જેઓ ગૃહિણી છે.   

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી. ROTTO મુંબઈ દ્વારા લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. રીયાંશના હૃદય અને ફેફસાના દાન કરવાની સહમતી પણ રીયાંશના માતા પિતા તેમજ પરિવારજનોએ આપી હતી, પરંતુ દેશમાં રીયાંશના બ્લડગ્રુપના નાના બાળકો હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રજીસ્ટર ન હોવાને કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું.

અમર ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે ત્યાં ઓપરેશન થીયેટર ન હોવાને કારણે અંગદાન ની પ્રક્રિયા માટે રિયાંશને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં લઈ જઈ અંગદાન કરાવવામાં આવ્યું હતું. 

લિવરનું દાન મુંબઈની નાણાવટી હોસ્પીટલના ડૉ. અંકુશ ગોલ્હાર અને તેમની ટીમે, બંને કિડની નું દાન અમદાવાદની IKDRCના ડૉ. વિરેન્દ્ર અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ગામ કોલગાંવથડી, તા. કોપરગાંવ, જી. અહેમદનગર, મહારાષ્ટ્રના રહેવાસી ૧૨ વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ડૉ. અનુરાગ શ્રીમલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. અંકુશ ગોલ્હાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ બાળકોમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.

સુરત થી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરત થી મુંબઈ સુધીનો ૨૮૧ કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવીને ૨૨૫ મીનીટમાં લિવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલ માં પહોચાડવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જીલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભીલાડ ચેક પોસ્ટ થી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરીડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી એ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો.