ખાનગી લેબોરેટરીઓના તગડા ભાવ સામે રાજકોટ AIIMS માં 200 થી વધુ રિપોર્ટ્સ રાહત દરે

*સૌને પરવડે તેવા દરે એઇમ્સમાં થશે બ્લડ, એક્સ-રે સહિતના ૨૦૦ થી વધુ રીપોર્ટ્સ*

*• ૨૫ ટકા જેટલા ઓછા દરે સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના ટેસ્ટ*

*• જયારે શરીરના વિવિધ અંગોના એક્સ-રે નો ચાર્જ માત્ર રૂ. ૧૫૦, જે ખાનગી કરતા ત્રીજા ભાગનો*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


*રાજકોટ : આરોગ્યની સર્વોત્તમ સેવા આપતી એઇમ્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે રવિવારે ખુલ્લી મુકવામાં આવનાર છે, ત્યારે સામાન્ય પરિવારના દર્દીને પરવડે તે દરે સેવા-સુષુશ્રા કરવાની એઇમ્સની આગવી પરંપરા અહીં પણ સાકાર થશે, જેની પ્રતીતિ રાજકોટ એઇમ્સ ખાતે દાખલ થનાર દર્દીઓને થવા જઈ રહી છે.

રાજકોટ એઇમ્સ ખાતે ૨૫૦ બેડના ઇન્ડોર પેશન્ટ વિભાગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીં દાખલ થયેલા દર્દીઓને વિવિધ લેબોરેટરી રીપોર્ટ્સ માટે ઇનહાઉસ સુવિધા પણ શરુ કરવામાં આવશે.

એઇમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના જણાવ્યા અનુસાર સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના લોહીના ૧૬૦  જેટલા વિવિધ રીપોર્ટ્સ અને ઍકસ-રેના અલગ અલગ ૩૦ જેટલા રીપોર્ટ્સ નોમિનલ ચાર્જમાં કરી આપવામાં આવશે. 

એઇમ્સ અને ખાનગી લેબમાં થતા રિપોર્ટ્સની કમ્પૅરિઝન કરીએ તો અહીં સી.બી.સી.રિપોર્ટનો દર માત્ર ૨૫ રૂ. જે ખાનગીમાં રૂ. ૨૦૦, બાયોપ્સી રૂ. ૩૭૪ જે ખાનગીમાં રૂ. ૧૨૦૦, લિપિડ પ્રોફાઈલ ૨૭૫ સામે ખાનગીમાં ૬૦૦, લીવર ફંક્શન ટેસ્ટના રૂ. ૨૨૫ જે ખાનગીમાં રૂ. ૭૦૦, કીડીની ફંક્સનના રૂ. ૨૨૫ જે ખાનગીમાં રૂ. ૬૦૦ જેટલો ચાર્જ લેવામાં આવે છે. વિવિધ સીરમ ટેસ્ટ રૂ. ૭૫ ની અંદર થશે. આ સાથે ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ટેસ્ટ માત્ર રૂ. ૨૫ માં, મેલેરિયા રૂ. ૫૦, ટાઈફોડનો રૂ. ૮૦ તેમજ  સ્ટુલ રૂટિન ટેસ્ટ રૂ. ૩૫ જેવા ન્યુનતમ દરે કરી આપવામાં આવશે.      

એક્સ-રે માં છાતીના ૭૦ રૂ., ખભ્ભો, ગોઠણ, પગ, કોણી, કરોડરજ્જુ, હથેળી, આંગળી, સ્કલ સહિતના શરીરના બાહ્ય અંગોના એક્સ-રેના માત્ર ૧૫૦ રૂ. ચાર્જ કરવામાં આવશે, જેનો ચાર્જ ખાનગી જગ્યાએ સામાન્ય રીતે રૂ. ૫૦૦ જેટલો થતો હોય છે. 

એઇમ્સ ખાતે ઇન્ડોર પેશન્ટ વિભાગમાં ૧૪ થી વધુ ફેકલ્ટીમાં સઘન સારવારના શ્રીગણેશ થવા જઈ રહ્યા છે, ત્યારે સંલગ્ન સેવાઓ પૈકી રીપોર્ટ તેમજ દવાઓ પણ દર્દીને પોસાય તે રીતના ચાર્જિઝ રાખી કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ સામાન્ય માણસની તબિયતની ચિંતા સુપેરે કરી રહ્યો છે, તેમ કહી શકાય.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*