NEET UG 2024ના ઉમેદવારોને 'આધાર' લિંકઅપમાં હાલાકી : રાજકોટમાં ભારે ચકચાર

આધાર અપડેટ કરાવનાર અનેક ઉમેદવારોને કન્ફર્મેશન મળ્યું નથી, ફોર્મ ભરવાની ડેડલાઈન પૂરી થવામાં, રાજકોટમાં વાલીઓમાં દોડધામ

*

રાજકોટ : તબીબી ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી NEET UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ ) 2024 પરીક્ષા માટે ફોર્મ ભરવા હવે ગણતરીનો સમય બાકી છે. પરંતુ રાજકોટમાં અનેક ઉમેદવારો સામે ટેકનિકલ ઇસ્યુ ઉભો થતા દોડધામ મચી ગઈ છે.

પરેશાન વાલીઓ જણાવે છે કે, પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 માર્ચ છે. ડેડલાઇન પુરી થવામાં ગણતરીનો સમય બાકી છે પરંતુ ઓનલાઇન ફોર્મ માટે જરૂરી આધાર લિંકઅપમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર સાથે લોગઈન કરવાનું છે, તે માટે  ઉમેદવારનું બાયોમેટ્રિક અપડેશન જરૂરી છે ઉપરાંત મોબાઇલ ફોન નંબર જોડવાનો હોય છે, જે માટે પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે પરંતુ હજુ સુધી આધારમાંથી કન્ફર્મેશન આવ્યું નથી. જેથી OTP મેળવવામાં પરેશાની થઈ રહી છે. આ અંગે મહાપાલિકાના કેન્દ્રોમાં તપાસ કરતા અનેક ઉમેદવારોને આ પ્રશ્ન સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તરેથી આધારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા ને ઘણો સમય થવા છતાં કન્ફર્મેશનનો મેસેજ આવ્યો નથી. મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી અથવા તો ફરી લિંક કરવામાં આવેલો મોબાઈલ નંબર ઉપલબ્ધ નથી. આમ ફોર્મ ભરતી વખતે આધાર નો પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે શિક્ષણ તંત્ર ઘટતું કરે તેવી માંગ વાલીઓએ કરી છે.