રાજકોટને કિડની રોગનો ભરડો : રાઉન્ડ ઘ ક્લોક 5 શિફ્ટમાં ડાયાલિસીસ

*૧૪ માર્ચ વિશ્વ કિડની દિવસ*

*શરીરમાં નેચરલ ફિલ્ટરનું કામ કરતી કિડનીના ફેલ્યોર માટે પથરી, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, જીવનશૈલી અને ઓબેસિટી  જવાબદાર*

*રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ગત વર્ષમાં ૧૭ હજાર થી વધુ કરાયા ડાયાલીસીસ*

*• સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક ડાયાલીસીસ, લેબ રિપોર્ટ્સ, ભોજન અને રૂ. ૩૦૦ નું એલાઉન્સ*

*• કિડનીના ફેલ્યોરથી બચવા બી.પી. ડાયાબિટીસ કંટ્રોલ રાખવો,  ક્ષાર મુક્ત જરૂરિયાત મુજબ ફિલ્ટરનું શુદ્ધ પાણી પીવું જરૂરી*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


રાજકોટ :

માનવ શરીર ખુબ જ જટિલ છે, જેમાં દરેક અંગની આગવી વિશેષતા સાથે વિશિષ્ઠ કામગીરી રહેલી છે. કોઈ એક અંગ કાર્ય કરતુ બંધ થાય ત્યારે તેની દુરોગામી અસર માનવ શરીર પર થતી હોય છે. હૃદય, ફેફસા, બ્રેઈન જેમ જ કિડની પણ માનવ જીવને સંચાલિત કરવામાં આગવી ભૂમિકા ભજવે છે, ત્યારે કિડનીનું મહત્વ અને તેને થતા રોગોથી થતા દુષ્પરિણામોની જનજાગૃતિ અર્થે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ ઉજવવામાં આવે છે.

બંને કિડની ક્ષાર, સુગર, ક્રિએટીન સહિતની રક્તમાં રહેલી અશુદ્ધિ, પ્રવાહી કચરો અને વધારાના પાણીને કિડની દ્વારા ફિલ્ટર કરી શુદ્ધ કરવાની વિશિષ્ઠ કામગીરી અંગે બી.ટી. સવાણી હોસ્પિટલના હેડ ડો. વિશાલ ભટ્ટ જણાવે છે કે, જયારે આ કામગીરીનું કિડની પર અતિશય ભારણ વધે છે ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને એક સમયે કામ કરતી બંધ થઈ જાય છે. જેને આપણે કિડની ફેલ્યોર કહીએ છીએ.  કિડની ફેલ્યોર થયા બાદ ડાયાલીસીસ દ્વારા માનવ શરીરના રક્તને શુદ્ધ કરી શકાય છે, પરંતુ આ પ્રકિયા ખુબ જ જટિલ અને લાંબા સમય સુધી કરવી પડે છે. જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ફરીથી નવું ઓર્ગન કાર્યરત કરી શકાય છે, પરંતુ હાલના તબક્કે જનજાગૃતિના અભાવે ઓર્ગન ડોનેશન ખુબ ઓછા પ્રમાણમાં થતું હોઈ સરળતાથી કિડની ટ્રાન્સપલન્ટ શક્ય નથી. ત્યારે હાલના સમયમાં કિડનીની બીમારી પહેલા આ રોગથી બચવા માટે જનજાગૃતિ ખુબ જ જરૂરી છે.         

 

કિડની ફેલ્યોર અંગે મુખ્યત્વે ક્ષારયુક્ત પાણીથી થતી પથરી, ડાયાબિટીસ કે જેમાં લોહીમાં સુગરનું પ્રમાણ ખુબ રહેતું હોઈ, બ્લડ પ્રેસર કે જે કિડની પર પણ પ્રેસર કરે છે અને આજની લાઈફ સ્ટાઈલ જેમાં જંકફૂડ અને ઓબેસિટીના કારણે કિડનીની કાર્યક્ષમતા પર આડ અસર થતા તે સમયાંતરે ફેલ્યોર થતી જાય છે. આનાથી બચવા માટે બી.પી. ડાયાબિટીસ કંટ્રોલ રાખવો, ક્ષાર મુક્ત જરૂરિયાત મુજબ ફિલ્ટરનું શુદ્ધ પાણી પીવું વગેરે જરૂરી હોવાનું ડો. વિશાલ જણાવે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડિંગમાં આઈ.કે.ડી.આર.સી. - અમદાવાદના સહયોગથી છેલ્લા ચાર વર્ષથી કાર્યરત અદ્યતન ડાયાલીસીસ સેન્ટરમાં ૨૮ બેડ અને મશીન પર રાઉન્ડ ઘી ક્લોક પાંચ શિફ્ટમાં ડાયાલિસીસ કરવામાં આવતું હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી જણાવે છે. આ સેન્ટરમાં એચ.ડી.એફ. અને સી.આર.આર.ટી. મશીન, કેથેટર ઇન્સ્ટાર્ટર સુવિધા પણ ઉપલબ્ધ છે. જે પ્લાઝ્મા એક્સચેન્જ અને ઇમર્જન્સીમાં ડાયાલીસીસ કરી આપે છે. આ ઉપરાંત અહીં એચ..આઈ.વી. દર્દીઓ માટે અલગથી આઇસોલેટેડ ડાયાલીસીસ સેન્ટર પણ ઉપલબ્ધ છે.

સિવિલ ખાતે કરવામાં આવતા ડાયાલીસીસની આંકડાકીય વિગતો આપતાં ટેક્નિશિયન હેડ મનીષ ઝાલા અને કૌશલેન્દ્ર સિંહ જણાવે છે કે, ગત ફેબ્રુઆરી માસમાં કુલ ૧,૫૨૮ જેટલા ડાયાલીસીસ સહીત વર્ષ ૨૦૨૩ માં ૧૭,૭૨૮ અને છેલ્લા ચાર વર્ષમાં ૬૯,૫૯૯ ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.  સિવિલ હોસ્પિટલ ખાતે ૬ વર્ષના બાળકથી લઈ મોટી ઉંમરના ૧૧૦ જેટલા દર્દીઓ નિયમિત રીતે સપ્તાહમાં બે થી ત્રણ વખત ડાયાલીસીસ માટે આવે છે. જેઓને સ્કેડ્યુલ મુજબ અગાઉથી જાણ કરવામાં આવે છે. આ સાથે દર્દીઓને નિઃશુલ્ક ભોજન, બ્લડ રિપોર્ટ્સ તેમજ રૂ. ૩૦૦ જેટલું એલાઉન્સ પ્રતિ ડાયાલીસીસ આપવામાં આવે છે.

રાજકોટની પદ્મકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ડો. નૂતન જણાવે છે કે,  અહીં ૧૨ બેડ અને ૧૨ ડાયાલીસીસ મશીન દ્વારા નિયમિતપણે ૪૫ જેટલા દર્દીઓને મહીને આશરે ૬૦૦ થી ૭૦૦ જેટલી ડાયાલીસીસ સાઈકલ કરવામાં આવે છે. ગત માસમાં ૩૯૪ સહીત વર્ષ ૨૦૨૩ માં કુલ ૫૦૭૭ ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલ ખાતે છેલ્લા ચાર વર્ષથી નિયમિત ડાયાલીસીસ કરાવતા રમણીકભાઇ મારકણા કહે છે કે તેમના પરિવારના પાંચ સભ્યોમાં તેઓ મોભી હોઈ આટલો મોટો ખર્ચ કરી શકે તેમ નથી પરંતુ રાજ્ય સરકારની સહાયથી તેઓ કિડની ફેલ્યોર હોવા છતાં ડાયાલીસીસ કરાવી તેઓના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે. આવા હજારો દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ડાયાલીસીસના દર્દીઓને આયુષ્માન કાર્ડ યોજના મદદરૂપ બની આર્થિક રીતે સધિયારો સાંપડી રહ્યો છે. 

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ એન્ડ રિચર્ચ સેન્ટર ખાતે રોજના ૧૦૦ જેટલા ડાયાલીસીસ થતા હોવાનું અને જનજાગૃતિ અર્થે માર્ચ માસ દરમ્યાન સેમિનાર, બ્લડ ચેકઅપ કેમ્પ તેમજ જનજાગૃતિ રેલી અને ગામડાઓમાં આર.ઓ. પ્લાન્ટ નાખવાની સુંદર કામગીરી કરવામાં આવતી હોવાનું સંસ્થાના ટ્રસ્ટીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીં કિડની ટ્રાન્સપલન્ટની સુવિધા ઉપલધ છે. અહીં અત્યાર સુધીમાં ૨૩ જેટલા ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યા હોવાનું તેમજ કિડની રોગથી બચવા ખોરાક પર જરૂરી સંશોધનો કરવામાં આવતા હોવાનું  ડો. વિશાલ ભટ્ટ જણાવે છે. તેઓ ડાયાબિટીસના દર્દીઓને ખાસ સલાહ આપતા જણાવે છે કે, સુગરનું રેગ્યુલર ટેસ્ટિંગ કરાવતા રહેવું જરૂરી છે, અને સુગર લેવલ મેન્ટેન કરવું જરૂરી છે. આ રોગ સાઇલન્ટ કિલર હોઈ કિડનીને ડેમેજ કર્તા હોઈ આવનારા સમયમાં ભારત દેશમાં કિડની ફેલ્યોર દર્દીઓમાં વધારો થઈ શકે છે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*