રાજકોટમાં અદ્યતન ઘોડિયા ઘરનો શુભારંભ

*બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠતી કલેકટર કચેરી

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ : રાજકોટ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠયો છે. રાજકોટની કોઇ પણ સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓના બાળકોની સંભાળ તેમની માતાઓ સરકારી ફરજ દરમ્યાન લઇ શકે તે માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશીની સરાહનીય પહેલ થકી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર ખાતે ઘોડિયા ઘર(બાલવાટિકા)નું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. 

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોની યોગ્ય સાર-સંભાળ થઇ શકે તે માટે રંગબેરંગી ચિત્રોથી બનેલ ઘોડિયા ઘરની સુવિધા કલેકટર કચેરી ખાતે જ ઉભી કરાઈ છે. જેમાં નાના બાળકો માટે હિંચકા, લપસીયા, ઘોડિયા, રમકડા, એરકન્ડીશન, ટેલિવિઝન તેમજ ફ્રીઝ અને વોટર પ્યુરીફાયર સહિતના રસોડાની સગવડો ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઘોડિયા ઘરમાં ૬ મહિનાથી લઈને ૧૨ વર્ષ સુધીના બાળકો રાખવામાં આવશે.

આ પ્રસંગે કલેકટર એ જણાવ્યું હતુ કે, મહિલાઓ કર્મયોગી બાળકોની ચિંતાથી મુક્ત થઇ પોતાના કાર્યમાં વધુ સારી રીતે ફરજ બજાવી શકે અને બાળકોની ઘોડિયા ઘરમાં યોગ્ય દેખરેખ હેઠળ સચવાય, તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનવીય અભિગમ સાથે આ ઘોડિયાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે.  વધુમાં વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના બાળકો આ ઘોડિયા ઘરની સુવિધાનો લાભ લે તેવી આશા કલેકટર એ વ્યક્ત કરી હતી.

આ તકે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, ઘોડિયા ઘરની સમિતિના અધ્યક્ષ અને રાજકોટ શહેર પ્રાંત-૧ના પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર, સરકારી કર્મચારી ભાઈઓ અને બહેનો પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલા કર્મચારીઓએ ઘોડિયા ઘરની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ કલેકટર પ્રભવ જોશી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*