રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં મહિને 30 લાખ લિટર પાણી....

રાજકોટ મહાનગરપાલિકાની નવી પહેલ રંગ લાવી: સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવતા ટ્રીટેડ વોટરનો જુદાજુદા ક્ષેત્રોમાં વપરાશ : ચોખ્ખા પાણીનો બચાવ 

રાજકોટ મહાનગરપાલિકાના વોટર O&M સેલ-ડ્રેનેજ શાખા હસ્તકના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટેડ વોટરનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ સંકુલમાં  વપરાશ: ક્રમશ: અન્ય ક્ષેત્રોમાં પણ ટ્રીટેડ વોટરના ઉપયોગને પ્રોત્સાહન આપવા મનપાના સતત પ્રયાસો : મ્યુનિ. કમિશનર 


રાજકોટ :

રાજકોટમાં વપરાશી પાણી ડ્રેનેજ સિસ્ટમ મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થતા ટ્રીટેડ વોટરનો શક્ય તેટલા ક્ષેત્રોમાં પૂન: ઉપયોગ થાય અને તેના પરિણામે ચોખ્ખા પાણીનો શક્ય તેટલો બચાવ થાય તે માટે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવેલી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુનઃ વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તેના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ સંકુલમાં વપરાશ માટે માસિક આશરે ૩૦ લાખ લીટર ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા વોટર O & M સેલ (ડ્રેનેજ) શાખા હસ્તક હાલમાં કુલ ૭ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા ૩૩૧.૫ MLD છે, જેમાં પ્રતિદિન ૨૬૦ MLD સુએઝને ટ્રીટ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલઆ સીવેજ  ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલ પાણીને પુનઃ વપરાશ  માટે જેવા કે ગાર્ડન, બાંધકામ તેમજ ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઇ શકાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીયુઝ પોલીસી બનાવવામાં આવી છે, જે અન્વયે નિયત થયેલ દરે પાણીના ચાર્જ વસુલીને જળ જથ્થો આપવાની નીતિ અપનાવવામાં આવેલ છે. 

મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. જેમાં ઈશ્વરીયાની મંડળીના ૩૧ સભ્યો ૪૪.૫૯ હેક્ટર ખેતીની જમીનમાં અને આણંદપરની મંડળીના ૧૩ સભ્યો ૧૬.૩૭ હેક્ટર ખેતીની જમીનમાં આ ટ્રીટ થયેલું પાણીની મદદથી કૃષિ પાક લઇ રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ STPના ટ્રીટ થયેલા પાણીના વધુ પુન: વપરાશ થાય તે અંગે સતત કાર્યરત છે. હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુનઃ વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. આ કરાર અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને માસિક ૩૦.૦૦ લાખ લીટર પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત કરારનામા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને “ગુજરાત સરકાર વેસ્ટ વોટર રીયુઝ પોલીસી”ના ૨૦૨૫ સુધીમાં ૭૦% વેસ્ટ વોટર રીયુઝના લક્ષ્યાંકને મેળવવામાં સરળતા રહેશે.

કમિશનર એ વિશેષમાં ઉમેર્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સેક્ટર જેવા કે ઉદ્યોગો, બાંધકામ, બાગાયત, વગેરેમાં સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ માટે અલગઅલગ સમૂદાયો સાથે બેઠકના આયોજન પ્રગતિમાં છે. દરમ્યાન નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે સુએજ ટ્રીટેડ વોટરની ૧૨ કી.મી.ની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે, જે પૈકી ૮ કી.મી. પાઈપલાઈન બિછાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩ એમ.એલ.ડી. જળ જથ્થો આપી શકાશે. આમ સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ વડે રાજકોટ મહાનગરપાલિકા પીવાના શુધ્ધ પાણીનો સારી એવી માત્રામાં બચાવ કરી શકશે. આવનારા દિવસોમાં ટ્રીટેડ વોટરનો પીવા પાણી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગ થાય અને જેની સામે પીવા લાયક પાણીની શહેરીજનો માટે બચત થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી કક્ષાએ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટ મુજબ ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ (જળ વ્યવસ્થાપન માટે ખાસ સમર્પિત એકમ)ની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત જળ સંચય સેલ કાર્યરત કરવામાં આવી છે.