રાજકોટ :
રાજકોટમાં દાતાઓના સહકારથી સદભાવના વૃદ્ધાશ્રમ અને પાંચાણી ફાઉન્ડેશન દ્વારા 101 સ્થળે મુકાશે ઠંડા અને ફિલ્ટરવાળા પાણીના પરબ
અત્યાર સુધીમાં 11 પરબ મુકાઈ ગયા, 60 પરબો માટેનું યોગદાન પણ પ્રાપ્ત થયું.
રૂ. 45 હજાર અર્પણ કરીને એક કુલરનાં દાતા બની શકાય
********
પહેલાના સમયમાં શહેર અને ગામડાંમાં અમુક કિલોમીટરના અંતરે પાણીના પરબ બંધાવવામાં આવતા હતા. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આવા પરબો ખુબ ઓછા થઇ ગયા અને પીવાના પાણીનું સ્થાન પ્લાસ્ટિકના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલોએ લઈ લીધું છે. લોકોને તરસ લાગે એટલે પ્લાસ્ટિકની બોટલમાં વેચતા મળતા પાણીથી તરસ છીપાવી પડે છે.
રાજકોટમાં એક નવો જ પ્રયોગ શરૂ થઈ રહ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ અને પાંચાણી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 101 સ્થળે પાણીના પરબ/ કૂલર મુકવાની શરૂઆત કરી છે. આ કાર્ય સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દાતાઓના સહકારથી કરવામાં આવ્યું છે. આ માટે યોગેશભાઈ પાંચાણીએ ઉમદા સહયોગ અર્પણ કર્યો છે. આ આખાયે પ્રોજેક્ટ માટે કુલ 90 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 101 કૂલરના 50 ટકા રકમ પાંચાણી ફાઉન્ડેશને પોતાના મિત્રો, શુભેચ્છકોનાં સહકારથી આપવાની જાહેરાત કરી છે. બાકીની જે 50 ટકા રકમ દાતાઓ પાસેથી મળવાની આશા છે તેમાં અત્યાર સુધીમાં 60 કુલરના સ્પોન્સર મળી ગયા છે. 101 કૂલર માટે 50 ટકા રકમ પાંચાણી ફાઉન્ડેશન દ્વારા તેમના મિત્રો, દાતાઓ અને શુભેચ્છકોનાં સહકારથી એકત્રિત કરાશે.
અત્યાર સુધીમાં કોટેચા ચોક ઉપરાંત પંચાયત ચોક, ત્રિકોણ બાગ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, એ.જી. ચોક, રૈયા ચોક, પોપટપરા જેલ પાસે બે, બિગબજાર ચોક અને મથુરા ચોક પાસે સહિતના વિસ્તારોમાં 11 વોટર કૂલર મૂકી દેવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ મજૂર અને સામાન્ય વર્ગના લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળ જ પસંદ કરવામાં આવ્યા છે અને આ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો.
વોટર કૂલર મૂકી દીધા બાદ તેમાં પાણી છે કે નહીં, પાણી ફિલ્ટર થયેલું મળે છે કે કેમ? તે સહિતની ચકાસણી કરવા માટે હાલ 10 વ્યક્તિની ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. વોટર કૂલર માટે પાણી ક્યાંથી લાવવું તેના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક વોટર કૂલરની 20 વર્ષ સુધી જાળવણી માટે કુલ 90 હજારનો ખર્ચ થશે. દર ત્રણ મહિને દરેક વોટર કૂલરનું મેન્ટેનન્સ કરવામાં આવશે. હાલ 10 સભ્ય કાર્યરત છે બાદમાં જેમ- જેમ વધુ સ્થળે કૂલર મુકાશે તેમ મેન્ટેનન્સ માટેના સભ્યોની સંખ્યા પણ વધારી દેવામાં આવશે તેમ આયોજકો જણાવે છે.